રાજકોટ
News of Wednesday, 5th May 2021

કોર્પોરેશન ચોકમાં મોબાઇલ રિપેરીંગ બાબતે રોમિતસિંહ અને મામાના દીકરા ધ્રુવિનસિંહને છરી ઝીંકાઇ

મોબાઇલ રીપેર થયા પહેલા પૈસા આપવાની ના પાડતા ડખ્ખો થયો : અમીત સોની સામે ગુનો

રાજકોટ,તા. ૫: શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન ચોકમાં મોબાઇલ રીપેરીંગના પૈસા બાબતે બે કૌટુબીંક ભાઇઓ સાથે ઝઘડો કરી એક શખ્સે છરી વડે હુમલો કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ સાધુવાસવાણી રોડ પર પરીમલ -૪માં રહેતા રોમીતસિંહ અસિતસિંહ ડોડીયા (ઉવ.૨૩)એ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં અમીત સોનીનું નામ આપ્યુ છે. રોમિતસિંહએ ફરિયાદમાં જણાવ્યુ છે કે, પોતે રોનોલ્ટ ગાડીના શો રૂમમાં નોકરી કરે છે. પોતે પોતાનો આઇફોન-૫ એસ તા. ૨૯/૪ના રોજ લાવા કંપનીના સર્વિસ સેન્ટરમાં અમીત સોનીને રીપેરીંગ માટે આપ્યો હતો. અને ત્યારે રીપેરીંગના રૂ.૧૮૦૦ નક્કી થયા હતા. આ મોબાઇલ ફોન ત્રણ દિવસમાં રીપેરીંગ થઇ જશે તેમ કહ્યુ હતું. બાદ ગઇ કાલે પોતે તથા મામાનો દિકરો ધ્રુવેનસિંહ ક્રિપાલસિંહ જેઠવા બંને આર.એમ.સી ચોકમાં આવ્યા બાદ પોતે અમીત સોનીને ફોન કરીને મોબાઇલ રીપેર થયો છે કે કેમ તેમ કહી બોલાવ્યો હતો. બાદ અમીતે પાંચ મીનીટમાં રૂબરૂ આવું છું. તેમ કહી થોડીવાર પછી અમીત સોની અને એક અજાણ્યો શખ્સ બાઇક પર આવ્યા હતા. બાદ પોતે અમીતને પુછેલ કે 'મારો મોબાઇલ કેટલા દિવસમાં રીપેર થશે તેમ કહેતા અમીત સોનીએ મોબાઇલ રીપેરીંગના રૂ.૧૮૦૦ પહેલા આપો મારે પૈસાની જરૂર છે. તેમ વાત કરતા પોતે તેને પહેલા મોબાઇલ રિપેર કરી આપ્યા બાદ પૈસા મળી જશે. તેમ વાત કરતા અમીત એકદમ ઉશ્કેરાઇ જઇ પોતાને અને મામાના દીકરા ધ્રુવિનસિંહને ગાળો આપતા પોતે તેને ગાળો આપવાની ના પાડતા અમીતે નેફામાંથી છરી કાઢી ધ્રુવિનસિંહ પર હુમલો કરતા પોતે વચ્ચે પડતા પોતાને ડાબા કાન નીચે છરી થી ઇજા કરી હતી. અને ધ્રુવિનસિંહને વાંસાના ભાગે છરીનો એક ઘા ઝીંકી દીધો હતો. અને તેની સાથે આવેલ શખ્સો અમીત સોની પાસેથી છરી લઇ મારવા દોડતા પોતે તેને બચાવવા જતા ડાબા હાથમાં ઇજા કરી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા બંને ત્યાંથી ભાગી ગયા હતા. અને પોતે પોલીસ કંટ્રોલમાં ફોન કરતા એ ડીવીઝન પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકના એ.એસ.આઇ કે.સી. સોઢા સહિતે તપાસ હાથ ધરી છે.

(3:07 pm IST)