રાજકોટ
News of Wednesday, 5th May 2021

વાસી ખોરાકમાં ફંગલ હોય, નાકની ચામડીને ખોતરવી નહી

કોરોના કાળમાં નાક અને સાઈનસમાં થતું ફંગલ ઈન્ફેકશન મ્યુકોરમાયકસીસના કેસોમાં વધારો : નાક બંધ થઈ જવું, નાકમાંથી કાળુ પ્રવાહી નિકળવું, માથું દુઃખવું, મોઢાના ભાગમાં સોજો આવવો આ બધા ફંગલના લક્ષણો છે, આ ઈન્ફેકશન ઝડપથી આખા શરીરમાં ફેલાઈ શકે છે, ત્વરીત સારવાર જરૂરીઃ ડો.હિમાંશુ ઠકકર

રાજકોટઃ હાલમાં જયારે કોરોનાનો કાળો કહેર ચાલુ છે તેવામાં નાક અને સાઇનસમાં થતું ફંગલ ઇન્ફેકશન મ્યુકોરમાયકસીસના કેસોમાં ખૂબજ વધારો જોવા મળ્યો છે. કોને આ ઇન્ફેકશન થવાની સંભાવના છે ? દર્દીઓ જેને કિડની, લીવર, ડાયાબિટીસ, બ્લડપ્રેસર ઉમરલાયક દર્દીઓ. જેમની રોગપ્રતિકારક શકિત ખુબજ ઓછી છે. કેન્સરના દર્દીઓ. જેમને કિમોથેરાપી ચાલે છે ડાયાલીસીસના દર્દીઓને વિ.ને આ મ્યુકોરમાયકોસીસ થવાની સંભાવના ખુબજ વધારે છે. શુ ધ્યાન રાખવું? આ ફંગલ સ્પોર ભેજવાળી જગ્યાએ વધારે હોય છે જેમ કે  બંધ ઓરડામાં જયાં હવા ઉજાસ નથી જેવામાં. વાસી અને કોહવાયેલ ખોરાક વિ.માં ફંગલ હોય છે જેથી ખાસ માસ્ક પહેરવું. વારંવાર હાથ ધોવા. રોગપ્રતિકારક શકિત વધે તેવો ખોરાક લેવો. નાક અને આંખને હાથ ના લગાવવો અને નાક ની ચામડી ખોતરવી નહીં.

એક ગંભીર રોગ છે જેમાં ખાસ કરીને કોરોના ના દર્દીઓને જયારે સ્ટીરોઈડ આપવા પડે અને જો દર્દીને ડાયાબિટીસ હોય તેવા સંજોગોમાં આ રોગ થતો હોય છે. દર્દીને તાવ અવવો, નાક બંધ થઈ જવું, નાકમાંથી કાળું પ્રવાહી નીકળવું,  માથું દુખવું, આંખ અને મોંઢાના ભાગ ઉપર સોજો આવવો, આંખની આસપાસ અને મોઢાની ચામડી કાળી પડવી. કફ થવો. જયારે ફંગલ ઇન્ફેકશન મગજ સુધી પહોંચે  છે. ત્યારે આંચકી આવવી પેરાલિસિસનો નો એટેક આવવો વિ. અને જયારે ફેફસામાં ફંગલ ઇન્ફેકશન પહોંચે છે ત્યારે ન્યૂમોનિયા થવો શ્વાસ લેવામાં તકલીફ પડવી વિ. આ અત્યંત જોખમી ફંગલ ઇન્ફેકશન છે.

આંખોમાં જયારે ફંગલ ઇન્ફેકશન પ્રવેશે છે તયારે આંખ માં દુખાવો, જોવાંમાં તકલીફ પડવી, ડબલ દેખાવું અને અંધાપો આવી શકે છે અને ૫૦ થી ૯૦ ટકા કેસોમાં દર્દીનું મૃત્યુ થાય છે. નિદાન માટે દરદીના નાકમાંથી જે પ્રવાહી નીકળે છે તેનું ફંગલ કલ્ચર કરવામાં આવે છે અને મગજને નાક તથા સાઇનસ અને ફેફસાનો સીટી સ્કેન કરવામાં આવે છે.

સારવારમાં તાત્કાલિક ધોરણે નાક અને સાયનસનું દૂરબિન વડે ઓપરેશન કરી debridement કરી ફંગસ દૂર કરવામાં આવે છે અને ત્યારબાદ બાયોપ્સી તપાસ કરવામાં આવે છે. દર્દીને એન્ટી ફંગલ દવાઓ જેવી કે inj amphotericin B.inj isavuconazole.inj posaconazole .વિ લાંબો સમય આપવા પડે છે. જે દર્દીઓને કોરોના થયેલ હોય અને તેને ડાયાબિટીસ હોય અને જેની રોગપ્રતિકારક શકિત ખુબજ ઓછી છે તેવા દર્દીઓને આ ફંગલ ઇન્ફેકશન થવાની શકયતા ખુજ જ વધારે હોય છે. જેથી ખુબજ ધ્યાન રાખવું અને ઉપરોકત ચિન્હો જણાય તો તાત્કાલિક નિષ્ણાત ડોકટરની સલાહ લેવી. કારણ કે આ ફંગલ ઇન્ફેકશન  ખુબ જ ઝડપી આખા શરીરમાં ફેલાઈ શકે છે અને  જો તાત્કાલિક સારવાર કરવામાં ના આવે તો દર્દીનું મૃત્યુ થઈ શકે છે. જેથી ખુબજ સાવચેતી રાખવી જરૂરી છે. 

ઠકકર હોસ્પિટલમાં આધુનિક સાધનો વડે કાન નાક તથા ગળાના રોગોની તમામ સારવાર અને ઓપરેશન ની સુવિધા ઉપલબ્ધ છે.                

હોસ્પિટલનું સરનામું ડો. ઠકકરની દાંત તથા કાન નાક ગળાની હોસ્પિટલ ૨૦૨ લાઇફ લાઈન બિલ્ડીંગ વિદ્યાનગર મેઈન રોડ રાજકોટ. મો ૭૯૯૦૧૫૩૭૯૩.

(3:09 pm IST)