રાજકોટ
News of Wednesday, 5th May 2021

જન્મ-મૃત્યુ નોંધ માટે હજુ થોડા દિવસો લાઈનો રહેશેઃ અનેક અંતરાયો

સિવીલ હોસ્પીટલમાં સ્ટાફના અભાવે નોંધ મનપાને મોકલવામાં ૧૫ દિવસનું વેઈટીંગઃ ઈન્ટરનેટ, સર્વર ડાઉનની સમસ્યા સહિતના કારણોઃ મનપા દ્વારા સિવીક સેન્ટરોમાં અરજદારો માટે છાંયડો અને પાણીની વ્યવસ્થાઃ બને તેટલી ઝડપ થાય તે માટે અધિકારીઓને સૂચના આપતા ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ

રાજકોટ, તા. ૫ :. શહેરમાં કોરોનાકાળમાં મૃત્યુ નોંધના દાખલા મેળવવામા અરજદારોને ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે કેમ કે સરકારે ઓનલાઈન સર્ટીની વ્યવસ્થા શરૂ કરી છે તેમા ઈન્ટરનેટ કનેકટીવીટીની સમસ્યાઓ સર્જાઈ રહી ઉપરાંત સ્ટાફનો અભાવ સહિતની બાબતોને કારણે જન્મ-મૃત્યુ નોંધમાં ઝડપ થઈ શકતી નથી અને સામે અરજદારોની લાંબી લાઈનો લાગી રહી છે ત્યારે ડે. મેયર ડો. દર્શિતાબેન શાહે અરજદારોને ઝડપથી દાખલા મળે તેવી વ્યવસ્થા માટે અધિકારીઓને સૂચનાઓ આપી હતી અને જે કોઈ સમસ્યા નડતી હોય તેનો ઉકેલ લાવવા જણાવેલ.

ડે. મેયર ડો. દર્શિતાબેને જણાવ્યુ હતુ કે મૃત્યુ નોંધના દાખલામાં સૌથી મોટી સમસ્યા ઈન્ટરનેટ કનેકટીવીટીમાં સર્જાતી હોવાનું જાણવા મળતા તાત્કાલીક બીએસએનએલના અધિકારીઓને આ સમસ્યા ઉકેલવા જણાવાયુ છે.

આ ઉપરાંત સીવીલ હોસ્પીટલમાં મરણનોંધ કરનારા સ્ટાફમાં કોરોના સંક્રમણ ફેલાયુ હોય ત્યાં સ્ટાફના અભાવે ૧૫ દિવસનું વેઈટીંગ છે. સીવીલમાંથી મૃત્યુ નોંધ આવે પછી જ મ.ન.પા. પ્રમાણપત્ર આપી શકે નહીં. આથી હવે સીવીલ હોસ્પીટલના ડો. રાવલ સાથે વાતચીત કરી સીવીલમાંથી મરણ નોંધ ઝડપથી મળે તે માટે વ્યવસ્થા કરવા જણાવેલ.

આ ઉપરાંત મ.ન.પા.ના ડે. કમિશ્નર શ્રી પ્રજાપતિને પણ ત્રણેય સીવીક સેન્ટરોમાં તડકામાં ઉભા રહેતા અરજદારો માટે મંડપ નાખી છાંયડો અને પાણીની વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી.

જ્યાં જ્યાં સ્ટાફ ઘટે છે ત્યાં નવો સ્ટાફ મુકવા પણ જણાવી દેવાયુ હતું.

આમ હવે થોડા દિવસ માટે ઉપરોકત સમસ્યાને કારણે જન્મ-મૃત્યુ નોંધ પ્રમાણપત્રની લાઈનો રહેશે. આ દરમિયાન નવી વ્યવસ્થાઓ થઈ રહી છે તેથી સરળતાથી અને ઝડપથી પ્રમાણપત્રો મળવા લાગશે તેમ ડે. મેયરશ્રીએ જણાવેલ.

ઈ-પ્રમાણપત્રની વ્યવસ્થા સરળ

રાજકોટઃ ડો. દર્શિતાબેન શાહે જણાવેલ કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી સરકારે લોકોને ઘરે બેઠા જન્મ-મૃત્યુના પ્રમાણપત્રો મળી જાય તેવી સરળ સુવિધા શરૂ કરી છે જે ખરેખર પ્રશંસનિય છે. આ માટેની લીન્ક ઉપરથી ગણતરીની મીનીટોમાં જ પ્રમાણપત્ર તમારા મોબાઈલમાં આવી જાય છે. આથી લોકોને પ્રમાણપત્રનો મેસેજ મળે તો તુરંત જ ઈ-પ્રમાણપત્ર મેળવી લેવા અનુરોધ આમ છતા જો કોઈને રૂબરૂ કઢાવવુ હોય તો મેસેજમાં જે ઝોન દર્શાવ્યો હોય તે ઝોનના સિવીક સેન્ટરમાં જ જઈને પ્રમાણપત્ર મેળવી લેવુ તેવો અનુરોધ ડે. મેયરશ્રીએ આ તકે કર્યો હતો.

(3:48 pm IST)