રાજકોટ
News of Wednesday, 5th May 2021

શાબાશ : ૧૦૮ ના ઈ.એમ.ઈ. સહીત ૩ પાયલોટ કોરોના બાદ પુનઃ ફરજ પર

રાજકોટ તા. ૪ : અમે ભલે કોરોનગ્રસ્ત થઈએ, કોરોનાની પરિસ્થિતિ ગમે તેટલી ગંભીર હોઈ, અમારે તો ખુદ કે પરિવારની ચિંતા કર્યા વગર ૧૦૮ ના પૈડાં સતત દોડતા રાખવા પડે... આ શબ્દો છે ૧૦૮ ના કોર્ડિનેર અને પાઈલોટના.

જો ૧૦૮ થંભી જાય તો અનેક દર્દીઓની સારવાર અટકી પડે, એટલે જ ૧૦૮ ના કર્મીઓ માટે લાગુ પડે છે, આ ઉકિત 'ન ભાગના હૈ ન રૂકના હૈ, બસ ચલતે રહના હૈ...' હાલ રાજકોટ જિલ્લામાં ૨૫ થી વધુ ૧૦૮ દિવસ રાત દોડતી રહે છે. કોરોનાના દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં. જેનો શ્રેય જાય સમગ્ર ટીમ અને પાયલોટને. કોરોનાના દર્દીઓના વહન સાથે પાયલોટ પણ કોરોનગ્રસ્ત થાય છે.

રાજકોટના ૧૦૮ ના ઇમરજન્સી મેનેજમેન્ટ એકિઝકયુટિવ વિરલ ભટ્ટ સહીત ત્રણ પાયલોટ સંક્રમિત થયા બાદ પુનઃ ફરજ પર હાજર થઈ ચુકયા છે. વિરલભાઈ જણાવે છે કે, મને ગત તા. ૧૮ એપ્રિલના કોરોના થયો. હોમ આઇસોલેશનમાં સારવાર લીધી. આ દરમ્યાન પણ જરૂરી સંકલન તો કરવાનું જ. અમારા ત્રણ પાયલોટ બીમાર પડતા તેમની તબિયત જલ્દી સુધારા પર આવી જાય તે માટે પણ અમે ખાસ કાળજી લીધી હોવાનુ વિરલભાઈ જણાવે છે.

૧૦૮ ના એક પાયલોટ પ્રકાશભાઈ ડાંગરને ગત તા. ૨૩ ના કોરોના  થયો. પરિવારમાં પત્ની અને એક વર્ષનો પુત્ર. તેનાથી સાવધાનીપૂર્વક દૂર રહી કોરોનાને માત આપી ફરીથી ૧૦૮ નું સ્ટિયરિંગ સંભળી લીધું છે.  એવા જ અન્ય કર્મી અમિતગીરી ગોસ્વામી પણ ગત તા. ૨૧ ના રોજ સંક્રમિત થતા ઘરે જ સારવાર કરાવી. તેમના પત્ની વંથલી સી.એચ.સી. માં નર્સિંગ તરીકે ફરજ બજાવે છે. ફરજ સાથોસાથ તેમના પતિ અને બાળકો સહીત દ્યરપરિવારની જવાબદારી પણ સાંભળી તેમના પતિને મદદરૂપ બન્યા છે. જયારે અન્ય એક ડ્રાયવર ભાવેશભાઈ રાઠોડ ધોરાજીથી જૂનાગઢ દર્દીઓના ફેરા કરે. થોડા દિવસ પહેલા ફરજ બજાવતા બજાવતા તેઓ સંક્રમિત થયા. સાજા થઈ ફરી કોરોનગ્રસ્ત દર્દીઓની સારવાર્થે સેવામાં જોડાઈ ચુકયા છે.

આ પાયલોટ માત્ર ગાડી જ ચલાવે તેટલું નહીં, જરૂરિયાતમંદ દર્દીઓને સ્ટ્રેચર, વહીલચેરમાં બેસાડી ગાડીમાં ચડાવવા ઉતારવાની ફરજ પણ અદા કરે. એપ્રિલ માસમાં એવરેજ દરેક પાયલોટે ૨૦૦ જેટલા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ સુધી સમયબધ્ધ પહોંચાડયા છે.

(3:49 pm IST)