રાજકોટ
News of Wednesday, 5th May 2021

માંડાડુંગર વિસ્તારના ચકચારી નિલેષ સગપરીયાના હત્યા કેસમાં રતન મુંધવાની જામીન અરજી ફગાવી દેતી કોર્ટ

જમીનના પ્લોટોમાં પેશકદમી કરી મિલ્કત માલીકોને ડરાવી ધમકી દેવા અંગેના

રાજકોટ તા.પ : જમીનના પ્લોટોમાં પેશકદમી કરી, પ્લોટ માલીકોને ડરાવી ધમકાવી, ખુની હુમલાઓ કરી મિલ્કતો પચાવા માટે માંડાડુંગર વિસતાર તથા આસપાસના વિસ્તારોમાં ગુંડાગર્દી આચરનાર ટોળકીએ પ્લોટ પડાવી લેવા માટે કરેલ મારામારીમાં નિલેશ સગપરીયાની કરેલ હત્યાના કામે ચાર્જશીટ બાદ કરી રતન બચુભાઇ મુંધવાએ કરેલ રેગ્યુલર જામીન અરજી રાજકોટના એડી. સેશન્સ જજ બી.બી. જાદવે નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.આ કેસની હકીકત જોઇએ તો ગુજરનાર ફરીયાદી નિલેશભાઇ રામજીભાઇ સગપરીયા તથા સાહેદ ઉપર આરોપીઓએ પ્રાણઘાતક હથિયારો ધારણ કરી ગંભીર જીવલેણ ઇજા કરી ગેરકાયદેસર મંડળી રચી વાહનો ઉપર સવાર થઇ પુર્વયોજીત પ્લાનીંગ મુજબ મોત નીપજાવવાના ઇરાદાથી ફરીયાદી તથા સાહેદ ઉપર હુમલો કરી ખુનની કોશીષ કરી ફરીયાદીનું ખુન કરી ગુન્હો આચરતા ગુજરનારની મૃત્યુ પેલા આજી ડેમ પોલીસે આરોપીઓ (૧) સિધ્ધાર્થ ડાંગર (ર) જયસુખ અરજણ (૩) મીરનો દીકરો (૪) પાંચ અજાણ્યા ઇસમો વિરૂધ્ધ આપેલ ફરીયાદના કામે પોલીસે (૧) સિધ્ધાર્થ વાસુરભાઇ ડાંગર (ર) જયસુખભાઇ અરજણ જોગસવા (૩) રામજી રઘુભાઇ જોગસવા (૪) રતન બચુભાઇ મુંધવાને અટક કરેલ જયારે આરોપીઓ (પ) પ્રભાત નાગદાન કુગશીયા (૬) મયુર કરસનભાઇ ભુંડીયા (૭) સિધ્ધાર્થ ઉર્ફે વલ્લભભાઇ વેકરીયા(૮) સુરેશ ઉર્ફે ભુરો અરજણ જોગસવા (૯) માધવ પટેલનાઓને ચાર્જશીટમાં નાસતા ફરતા આરોપીઓમાં બતાવામાં આવેલ હોય ચાર્જશીટ રજુ થતા પહેલા એટલે કે ફરીયાદ આપ્યા પછી ઇજાઓના કારણે ફરીયાદીનુ મૃત્યુ નીપજતા કલમ ૩૦રનો ઉમેરો થયેલ તે રીતનું ચાર્જશીટ અદાલતમાં રજુ કરવામાં આવેલ હતુ.

ઉપરોકત આરોપીઓ પૈકી રતન બચુભાઇ મુંધવાએ ચાજૃશીટ પહેલા સેશન્સ અદાલતમાં કરેલ જામીન અરજી રદ થયા બાદ ચાર્જશીટ રજુ થતાં ફરી જામીન અરજી કરતા ગુજરનાર ફરીયાદીના પુત્રએ એડવોકેટ સુરેશ ફળદુ મારફત અદાલતમાં વાંધાઓ રજુ કરેલ અને ફરીયાદ પક્ષ તથા સરકાર તરફે રજુઆત કરેલ કે આરોપીઓ વિરૂધ્ધ પ્રથમ દર્શનીય કેસ છે આરોપીઓે હથીયાર ધારણ કરી બનાવમાં સક્રીય રોલ ભજવેલ છે ઓળખ પરેડમાં ઓળખી બતાવવામાંઅ ાવેલ છે નવા કોઇ સંજોગોમાં નથી ત્યારે જામીન અરજી રદ કરવા લંબાણપુર્વક રજુઆતો કરવામાં આવેલ.

બંને પક્ષની રજુઆતો, પોલીસ અભિપ્રાય, પોલીસ પેપર્સ, તથા એફ.આર.ની હકીકતો લક્ષે લેતા બનાવ નજરે જોનાર સાહેદ મારફત થયેલ ઓળખ પરેડમાં સાહેદે અરજદારને ઓળખી બતાવેલ છે અને બનાવમાં સક્રિય રોલ ભજવેલ છે. હથીયાર કબ્જે થયેલ છે પી.એમ. રીપોર્ટમાં ગુજરનારનું મૃત્યુ આરોપીઓએ કરેલ હુમલાથી થયેલ ઇજાઓના કારણે થયેલ હોવાનું સ્પષ્ટ જણાય છે અગાઉ જામીન અરજી આજ ગ્રાઉન્ડસર રદ કરેલ બાદ નવા કોઇ સંજોગો અરજદાર બતાવી શકેલ નથી ઉલટાનું અગાઉની જામીન અરજી કલમ ૩૦૭ હેઠળ રદ કર્યા બાદ કલમ ૩૦રનો ઉમેરો  થયેલ છે. તેથી ગુન્હાની ગંભીરતા વધેલ છે જે સમગ્ર હકિકતો સંજોગો જામીન અરજીના સિધ્ધાંતો ગુન્હાના પ્રકાર લક્ષે લેતા અરજદારની તરફેણમાં વિવેક બુધ્ધિસતાનો ઉપયોગ કરવો મુનાસિફ ન માની રતન મુંધવાની ચાર્જશીટ બાદની પણ જામીન અરજી રદ કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

મુળ ફરીયાદ પક્ષ વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, રિપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા તથા સરકાર વતી રક્ષીત કલોલા રોકાયા હતા.

(3:51 pm IST)