રાજકોટ
News of Wednesday, 5th May 2021

સદર બજારમાં એપાર્ટમેન્ટના પાર્કિંગના રૂમમાં ચોકીદાર દિપક બહાદૂરનો આપઘાત

યુવાને ગળાફાંસો ખાઇ લેતા અરેરાટી : કારણ જાણવા તપાસ

રાજકોટ, તા. પ :  સદર બજારમાં આવેલા મેમુન એપાર્ટમેન્ટના પાર્કિંગના રૂમમાં રહેતા નેપાળી ચોકીદારે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ સદર બજારમાં આવેલા મેમુન એપાર્ટમેન્ટના પાર્કિંગનાં રૂમમાં રહેતા દીપક બહાદુર વિષ્ણુ બહાદુર શાહી (ઉ.વ.૩૦) સવારે રૂમમાં એકલા હતા ત્યારે પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો જોઇ જતા દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને કોઇએ જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી પીયુષભાઇએ તપાસ  કરતા તેનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા પ્ર.નગર પોલીસ મથકા એ.એસ.આઇ. હરેશભાઇ રત્નોત્તર અને રાઇટર માયાબેન સાટોડીયાએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક દીપક બહાદુરને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે ત્રણ ભાઇ અને ચાર બહેનોમાં મોટો હતો. તે એપાર્ટમેન્ટમાં રહી બે મહિનાથી ચોકીદારી કરતો હતો. તેણે કયાં કારણોસર આ પગલું ભર્યુ તે અંગેનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(3:53 pm IST)