રાજકોટ
News of Wednesday, 5th May 2021

સતત બીજા દિવસે જન્મ-મરણ વિભાગનું સર્વર ઠપ્પ : અરજદારોને ધરમના ધક્કા

તંત્રની અણ આવડતના કારણે અરજદારોને પ્રમાણપત્રો મેળવવા ભારે હાલાકી : કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિલીપ આસવાણી, ગજેન્દ્રસિંહ ઝાલા તથા ધીરૂભાઇ ભરવાડનો આક્ષેપ

રાજકોટ,તા.૫: મ્યુ.કોર્પોરેશનનાં જન્મ-મરણ વિભાગમાં આજે સવારે ૧ થી ૨ કલાક સર્વર ઠપ્પ  થતાં લાંબી લાઇનો લાગી હતી. સતત બીજા દિવસે સર્વર ઠપ્પ થતાં  અરજદારોને ધરમનાં ધક્કા થયા હતા. તંત્રની અણ આવડતને કારણે જન્મ-મરણનાં પ્રમાણપત્રો મેળવવા લોકોને હાલાકી ભોગવવી પડતી હોવાનો આક્ષેપ કોંગીનાં પુર્વ કોર્પોરેટર દિલીપભાઇ આસવાણી, કોંગ્રેસનાં પુર્વ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલા તથા ધીરૂભાઇ ભરવાડે આક્ષેપ કર્યો હતો અને જન્મ-મરણ વિભાગનાં વિવિધ પ્રશ્નો તાકિદે ઉકેલવા માંગ કરી હતી. 

પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રવકતા ગજેન્દ્ર સિંહ ઝાલા (સિનિયર કોંગ્રેસ અગ્રણી) લોક સંસદ વિચાર મંચના ધીરુભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારની અણઆવડતને પગલે જન્મ મરણના દાખલા માટે લોકોને કલાકો સુધી તપ કરવું પડે છે. જન્મ-મરણના પ્રમાણપત્ર મેળવવા માટે ભારે હાલાકી અને હાડમારી વેઠવી પડે છે લોકોનો અડધો દિવસ બગડે છે. તેવો આક્ષેપ કર્યો હતો.

રાજકોટ મહાનગરપાલિકાના પાંચ વોર્ડમાં જન્મ અને મરણના પ્રમાણપત્રો માટે નો શુભારંભ કરી લોકોને ઘર આંગણેથી જન્મ પ્રમાણ પ્રમાણપત્ર જેવી જાહેરાતો કરવામાં આવી હતી ઉદ્ઘાટન પ્રસંગે તત્કાલિન સમયના અધિકારી પદાધિકારીઓએ કહ્યું હતું કે આજે પાંચ વોર્ડમાં પ્રમાણપત્રો ચાલુ કરવામાં આવે છે પરંતુ આગામી દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકાના તમામ ૧૮ વોર્ડ ઓફિસેથી જન્મ-મરણના પ્રમાણપત્ર મળી શકશે પરંતુ આ પાંચ વોર્ડમાં જે સુવિધા શરૂ કરવામાં આવેલ તેનું થોડા સમયમાં બાળમરણ થયું અને આજે એક પણ વોર્ડમાં જન્મ-મરણ નું પ્રમાણપત્ર મળતુ નથી. તેવા દિલીપ આસવાણી, ગજેન્દ્રસિંહ ઝાલા તથા ધીરૂભાઇ ભરવાડે આક્ષેપ કર્યો હતો.

રાજ્ય સરકાર અને મહાનગર પાલિકાઓ વચ્ચે સંકલનના અભાવે જન્મ-મરણના પ્રમાણપત્રો મેળવવા માગતા લોકોનો ખો નીકળે છે અને આવા પ્રમાણપત્રો લેવા આવનાર વ્યકિત ને કોરોના સંક્રમણ નો ભોગ બનવાની સતત દહેશત રહે છે તેમ અંતમાં આસવાણી અને ઝાલાએ જણાવ્યું છે.

(3:56 pm IST)