રાજકોટ
News of Wednesday, 5th May 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓકિસજનવાળી ૧૦૦ બેડની હોસ્પિટલમાં દર્દીઓની ઝડપી અને અસરકારક સારવાર

રાજકોટ,તા. ૫: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોરોનાની મહામારીમાં સામાજીક ઉતરદાયિત્વના ભાગરૂપે કેમ્પસ ખાતે ઓકસીજન ફેસેલીટી સાથેની ૧૦૦ બેડની હોસ્પીટલ કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલ છે. આ કોવીડ હોસ્પીટલમાં દર્દીઓ ઝડપી સાજા થાય અને તેઓનું મનોબળ વધે એ માટે વિશેષ પધ્ધતી અપનાવી અને વિશેષ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.જેમાં (૧) દર્દીઓને દિવસમાં બે વાર ૧૦–૧૦ મીનીટ પ્રાર્થના અને શ્લોક મોબાઈલમાં સંભળાવવામાં આવે છે. (ર) ઓકસીજનમાંથી સાજા થયેલ દર્દીઓ સાથે અત્યારના ઓકસીજન પર રહેલ દર્દીઓ સાથે રોજ વાતચીત કરાવવામાં આવે છે. જેથી એમને હિંમત અને મનોબળ પુરું પાડવામાં આવે છે. (૩) દર્દીઓને તેમના ધર્મગુરુઓ સાથે દિવસમાં એકવાર વાત કરાવવામાં આવે છે અને તેમના આશિર્વાદ અપાવવામાં આવે છે. (૪) દર્દીઓના સગા–સંબંધીઓ સાથે દિવસમાં બે થી ત્રણ વાર વીડીયો કોલથી વાત કરાવવામાં આવે છે અને દર્દીનું હેલ્થ સ્ટેટસ તેઓને આપવામાં આવે છે. આ ઉપરાંત દર્દીઓને સોમનાથ, દ્વારકા તથા અન્ય તીર્થક્ષેત્રોની આરતીના દર્શન કરાવવામાં આવે છે તથા યોગ પણ કરાવવામાં આવે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે કાર્યરત આ હોસ્પીટલ રાજકોટના પૂર્વ કલેકટર રાહુલ ગુપ્તા, કલેકટર શ્રીમતી રેમ્યા મોહન, એડી. કલેકટર પી.પી. પંડયા, સિન્ડિકેટ સભ્યશ્રી ડો. મેહુલભાઈ રૂપાણી, ડો. નેહલભાઈ શુકલ તથા સર્વે સિન્ડિકેટ સભ્યશ્રીઓ, કુલસચિવશ્રી ડો. જતીનભાઈ સોની, કો–ઓર્ડીનેટરશ્રી જનકસિંહ ગોહીલ તથા ડો. રાજેશભાઈ દવેના નેજા હેઠળ સંપૂર્ણ વ્યવસ્થા કાર્યરત છે. આ કોવીડ હોસ્પીટલમાં ડો. જતીન ભટ્ટ, ડો. કવિતા ગૌસ્વામી તથા ડો. ઉમેદ પટેલ તબીબ તરીકે સેવાઓ આપી રહ્યા છે. હાલ આ હોસ્પીટલમાં ૮૦ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

(3:57 pm IST)