રાજકોટ
News of Wednesday, 5th May 2021

ઓક્સિજન નિર્માણ માટે પી.જી.વી.સી.એલ.ની ઓક્સિજનરૂપી ”પાવર ફૂલ” ભૂમિકા : શાપર અને મેટોડાના ઓક્સિજન પ્લાન્ટને વીજળીનો ૨૪ કલાક પુરવઠો મળી રહે તે માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ

ફીડર અને પ્લાન્ટ ખાતે એન્જીનીયરની ટીમનું સતત મોનીટરીંગ - ઇમર્જન્સી ટીમ તૈનાત

રાજકોટ :કોરોનાના દર્દીઓને સતત ઓક્સિજનની માંગને પહોંચી વળવા શાપર અને મેટોડામા ઓક્સિજન પ્લાન્ટ્સ સતત કાર્યરત છે. કોઈપણ પ્રકારની અડચણ વગર આ પ્લાન્ટને સતત ૨૪ કલાક વીજ પુરવઠો મળી રહે તેમાટે ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હોવાનું પી.જી.વી.સી.એલ. ના એ.સી.ઈ. શ્રી જે.જે. ભટ્ટ જણાવે છે.

  શાપર ખાતે હાલ ચાર પ્લાન્ટમાં ઓક્સિજનનું ઉત્પાદન ચાલી રહ્યું છે. અહીં પી. જી. વી. સી એલ.ના એન્જીનીયર અમીન હાલાઇને ખાસ ફરજ સોંપવામાં આવી છે. તેઓ જણાવે છે કે, હું દિવસ દરમ્યાન આ પ્લાન્ટ ખાતે ફરજ બજાવું છું. વિજ સપ્લાય અંગે કંઈપણ મુશ્કેલી કે અડ્ચણ આવે તો  અમારા સ્ટાફ અને પ્લાન્ટના મેનેજર સાથે સંપર્કમાં રહી સંકલન કરવાનું હોઈ છે. શાપર ખાતે ત્રણ સબ-સ્ટેશન દ્વારા ચાર ફીડર (લાઈન) કાર્યરત છે. અમારી ટીમ દ્વારા સબ સ્ટેશન તેમજ ફીડર ખાતે ખાસ મોનીટરીંગ કરવામાં આવી રહયું છે. સાથોસાથ અમારી એક ઇમરજન્સી ટીમ જરૂર પડે તો કાર્યવાહી કરી શકે તે માટે અનામત રાખવામા આવી છે, તેમ અમીનભાઈ જણાવે છે.
જયારે મેટોડા ખાતે બે ઓક્સિજન પ્લાન્ટ હાલ કાર્યરત છે, અહીં પણ પ્લાંટ ખાતે જુનિયર એન્જીનીયર શ્રી ઉમેશભાઈ ગજેરા ફરજ બજાવે છે. તેઓએ ફેક્ટરી મલિક તેમજ ફીડર મોનીટરીંગ ટીમ સાથે સતત સંકલનમાં રહેવાનું હોય છે. તેઓ જણાવે છે કે, અમારી એક ટીમ ત્રણે ફીડરો પર ધ્યાન રાખતી હોઈ છે. કોઈ ફોલ્ટ આવે તો તુરંત જ અમને જાણ કરવામાં આવે છે. જેથી કરી અમે પ્લાન્ટમાં જણાવી શકીએ. ઉમેશભાઈ જણાવે છે કે, જો કોઈ ઇમર્જન્સીમાં ફીડર કે સબ-સ્ટેશન પર પાવર સપ્લાય બંધ કરવાની જરૂર પડે તો પણ પહેલા અમને જાણ કરવી પડે છે. જેથી કરી ફેકટરીમાં અમે પાવર કટ અંગે કહી શકીએ. જો કે હજુ સુધી એકપણ વાર પાવર કટ થયો હોઈ તેવું બનવા પામ્યું નથી.
છેલ્લા કેટલાક દિવસોથી માવઠા તેમજ વંટોળની પરિસ્થિતિમાં પણ બંને ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં ઓક્સિજન પ્લાન્ટમાં પાવર ફેલ્યોરની ઘટના બનવા પામી નથી. હાલ  ૨૪ કલાક રાઉન્ડ ઘી ક્લોક આ બધા ઓક્સિજન પ્લાન્ટમાં પાવર સપ્લાય કોઈપણ સંજોગોમાં જળવાઈ રહે તે માટે પી.જી.વી.સી.એલ દ્વારા ખાસ ટાસ્ક ફોર્સ બનાવી ઓક્સીઝ્ન રૂપી પાવર કુલ કામગીરી કરી રહ્યો છે.

(6:52 pm IST)