પરાબજાર દેનાબેંક પાસે ટ્રાફિક વોર્ડનને ઢીકાપાટુનો માર માર્યો
ફ્રુટની લારીવાળાના ભાઇએ કારણવગર ફટકાર્યાનું કથન
રાજકોટ તા. ૪: પરા બજાર રોડ દેનાબેંક પાસે ફરજ પર રહેલા ટ્રાફિક વોર્ડનને ત્યાં ફ્રુટની લારી રાખી ધંધો કરતાં શખ્સના ભાઇએ આવી ગાળો ભાંડી ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે દાખલ થવું પડ્યું હતું.
ગોંડલ રોડ પર પીડીએમ પાછળ રહેતો જગદીશભાઇ સિંધાભાઇ મકવાણા (ઉ.વ.૩૯) સાંજે પરાબજાર દેનાબેંક પાસે પોતાની ટ્રાફિક વોર્ડનની ફરજ પર હતો ત્યારે ફ્રુટની લારીવાળા અશરફના ભાઇએ આવી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના સ્ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી. જગદીશભાઇના કહેવા મુજબ પોતાને કારણવગર અશરફના ભાઇએ ગાળો ભાંડતાં તેને ના પાડતાં અને પોતે ત્યાંથી દૂર જતો રહેતાં તેણે દોડીને પાસે આવી ઢીકાપાટુનો માર માર્યો હતો.
પુનિતનગરમાં કિશોરસિંહને પથુભાએ પાણકો માર્યો
ગોંડલ રોડ પુનિતનગરમાં રહેતાં અને કારખાનામાં કામ કરતાં કિશોરસિંહ ઘનશ્યામસિંહ પરમાર (ઉ.૨૫) તેના ઘર નજીક પાનની દૂકાન પાસે હતો ત્યારે પથુભા બાલુભા જાડેજાએ ગાળાગાળી કરતાં ના પાડતાં તેણે પાણકાનો ઘા કરી ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં તાલુકા પોલીસને જાણ કરાઇ હતી.