રાજકોટ
News of Wednesday, 4th August 2021

પીડીયુ મેડિકલ કોલેજના ૪૮ બોન્ડેડ ફિઝીશીયનોમાં ૧:૧ બોન્ડ મામલે અન્યાય થતાં રોષઃ હડતાલનો પ્રારંભ

રાજકોટ તા. ૪: શહેરની પીડીયુ મેડિકલ કોલેજના છેલ્લા વર્ષના ૪૭ તબિબોના ૧:૧ અને ૧:૨ના બોન્ડનો પ્રશ્ન ફરી ગોટાળે ચડ્યો છે. અગાઉ કલેકટરશ્રીને રજૂઆત થતાં બોન્ડ ઉપર મંજુરીની મહોર લગાવાઇ હતી. પરંતુ હવે ૧:૧ બોન્ડ જ મળશે અને છુટા થવું હોય તો રૂ. ૪૦ લાખ ભરવાના રહેશે તેવી શરતો રખાતાં પીડીયુ મેડિકલ કોલેજના ફાયનલ વર્ષના ૪૭ તબિબો હડતાલ પર ઉતર્યા છે. સિવિલ હોસ્પિટલના મેડિસિન, એનેસ્થેસીયા, સર્જરી, ગાયનેક એમ તમામ વિભાગમાં આ તબિબો ફરજ બજાવતાં હોય છે.

તબિબો હડતાલ પર ઉતરી જતાં અને પોતાની સેવાથી અલિપ્ત થઇ જતાં તમામ વિભાગોની ઓપીડીને અસર પહોંચી રહી છે. જો પ્રશ્ન નહિ ઉકેલાય તો ગુજરાતભરની તમામ સરકારી મેડિકલ કોલેજના છેલ્લા વર્ષના આવા તબિબો હડતાલ પર ઉતરી જશે તેવી ચિમકી અપાઇ છે. રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના ૪૮ તબિબો કે જે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં હતાં તેનો ટાઇમ પિરીયડ સરકારના નિયમ મુજબ પુરો થતાં તેને કોરોના કાળમાં વધુ ત્રણ માસનું એકસટેન્સન અપાયું હતું. ત્યારે જે તબિબોની પરિક્ષા બાકી હતી તેને ૧:૧ અને જેમનું પરિણામ આવી ગયું હોય તેમને ૧:૨ મુજબના બોન્ડ આપવાનો પરિપત્ર સરકારે બહાર પાડ્યો હતો.

પરંતુ ત્રણ મહિનાનું એકસટેન્સન પુરૂ થઇ ગયા પછી પરિપુત્ર મુજબ બોન્ડ આપવાના હોય છે. આ બોન્ડ આપવામાં સરકારના આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતાં અગાઉ તબિબોએ કલેકટરશ્રી મહેશ બાબુને રજૂઆત કરતાં તેમણે આ પ્રશ્ન ઉકેલવાની ખાત્રી આપી હતી. પરંતુ હવે રાજકોટના આ ૪૮ તબિબોને અલગ અલગ ગામડાઓના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નિમણુંક અપાઇ છે અને અગાઉના ૧:૧ બોન્ડને જ ચાલુ રાખવા અથવા છુટા થવું હોય તો ચાલીસ લાખ ભરવાનો આદેશ થતાં બોન્ડેડ ફિઝીશીયનોમાં રોષ ફેલાયો છે.

આ મામલે રાજકોટ પીડીયુના ૪૮ ફિઝીશીયનોએ હડતાલ શરૂ કરી હોવાનું જણાવાયું છે. જો તત્કાળ પ્રશ્નનો નિવેડો નહિ આવે તો તેમાં રાજ્યની અન્ય મેડિકલ કોલેજના બોન્ડેડ ફિઝીશીયનો પણ જોડાઇ શકે છે. રાજકોટ પીડીયુના ૪૮ તબિબો હડતાલ પર ઉતર્યા છે તેમાં જેમાં એનેસ્થેસિયા, સર્જરી, ગાયનેક એમ તમામ વિભાગના તબિબોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ગઇકાલે બોન્ડેડ ફિઝીશીયનોના જુનિયર ડોકટર્સ એસોસિએશનના ૧૦૦ જેટલા તબિબોએ ગાંધીનગર પહોંચીને પણ રજૂઆત કરી હતી. પરંતુ યોગ્ય રીતે સાંભળવામાં ના આવતાં અંતે રાજકોટથી હડતાલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 

(4:00 pm IST)