રાજકોટ
News of Wednesday, 4th August 2021

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ 'અકિલા'ની મુલાકાતે

ચૂંટણી માટે કોંગ્રેસ તૈયારઃ ચાવડા

કોરોનામાં મોતનું તાંડવ-મંદી-અવ્યવસ્થા વગેરે નિષ્ફળતા છુપાવવા ભાજપ સરકાર ઉજવણીના તાયફા કરે છેઃ ગુજરાતમાં 'આપ'નો કોઈ પ્રભાવ નથી

કોંગ્રેસ અધ્યક્ષ અમિતભાઇ ચાવડા 'અકિલા'ના આંગણે : ભાજપ સામે તાતા તીર...  : કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઇ ચાવડા આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. ઇન્ટરવ્યૂમાં તેઓએ ભાજપી શાસકોની ઝાટકણી કાઢી હતી. તસ્વીરોમાં 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે અમિતભાઇ ચાવડા તથા ચોટીલાના ધારાસભ્ય ઋત્વિજભાઇ મકવાણા અને શહેર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ મહેશભાઇ રાજપૂત નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)(

રાજકોટ, તા. ૪ :. 'અકિલા'ની મુલાકાતે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી લોકપ્રશ્નો ઉકેલવાને બદલે પ્રચારમાં જ ધ્યાન આપે છે. આ માટે ગંજાવર બજેટ ફાળવે છે. ગુજરાતમાં ધારાસભાની ચૂંટણી વહેલી યોજાય તેવા સમાચારો અવારનવાર ઉછળે છે. ગુજરાત કોંગ્રેસ ગમેત્યારે ચૂંટણી યોજાય, લડી લેવા તૈયાર છે.

શ્રી ચાવડાએ કહ્યું હતું કે ભાજપ સરકારે નિષ્ફળતા અંગે લોકોની માફી માંગવી જોઈએ, આવુ કરવાને બદલે પોતાની નિષ્ફળતા છૂપાવવા ઉજવણીના તાયફા કરે છે.  કોરોનામાં લોકોના મોત થયા. રણનીતિ વગરના લોકડાઉનના કારણે સર્વત્ર મંદી પ્રસરી છે. લોકો ત્રાહીમામ છે. બીજી બાજુ જીવન જરૂરી વસ્તુમાં તીવ્ર ભાવ વધારા છે. લોકપ્રશ્નો ઘટવાને બદલે વધી રહ્યા છે છતાં ભાજપી સરકારો લોકોના ખર્ચે ઉજવણીના નામે પ્રચાર કરે છે.

લોકપ્રશ્નો અંગે કોંગ્રેસ સતત વિરોધ કાર્યક્રમો આપે છે, પરંતુ ભાજપ શાસન વિરોધ કરવાનો અધિકાર પણ છીનવી રહી છે.

ગુજરાતમાં ત્રીજા રાજકીય પરિબળ આમ આદમી પાર્ટી અંગે શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે, ઈતિહાસ તપાસી લો, ગુજરાતે કયારેય ત્રીજા પક્ષને સ્વીકાર્યો નથી. આમ આદમી પાર્ટી ગત ચૂંટણી પણ લડી ચૂકી છે. લોકોએ તેમને સ્વીકાર્યા ન હતા. 'આપ'નો કોઈ પ્રભાવ નથી.

'અકિલા' અંગે અમિતભાઈએ કહ્યું હતું કે, સવારે ચા ન મળે તો ચાલે, સાંજે 'અકિલા' તો જોઈએ જ.

(4:01 pm IST)