રાજકોટ
News of Thursday, 5th August 2021

શહેરના ૨૧ આરોગ્ય કેન્દ્ર પર 'માઁ અમૃતમ્ કાર્ડ'ની કામગીરીનો પ્રારંભ

અગાઉ માત્ર ૨ જ સ્થળ પર આ કાર્યવાહી થતી હતી : મનપાના શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાની રજૂઆત સફળ

રાજકોટ તા. ૫ : ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આરોગ્યની સેવા નિઃશુલ્ક મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગંભીર રોગ માટે 'મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ, માઁ કાર્ડ' યોજના તથા કેન્દ્ર સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત' હેઠળ ઘણા રોગનો સમાવેશ કરેલ છે. શહેરમાં છેલ્લા ઘણા સમયથી માઁ અમૃતમ્ અને આયુષ્યમાન ભારત કાર્ડ રિન્યુ અને નવા કાર્ડની કામગીરી માત્ર બે જ સ્થળ પર થતી હતી. આ અંગે મ.ન.પા.ના શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ મ્યુ. કમિશ્નરને શહેરના ૨૧ આરોગ્ય કેન્દ્ર પર ઉપરોકત કાર્ડની કામગીરી શરૂ કરવા પત્ર પાઠવ્યો હતો. જેના અનુસંધાને હવેથી ૨૧ આરોગ્ય કેન્દ્ર પર આયુષ્યમાન કાર્ડની કામગીરીનો પ્રારંભ કરવામાં આવતા દંડક સુરેન્દ્રસિંહ વાળાની રજૂઆત સફળ થઇ છે.

મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ તા.૨૬ જુલાઇના મ્યુનિ. કમિશનર અમિત અરોરાને એક પત્ર પાઠવી શહેરના નાગરિકોની સુગમતા માટે મનપાના તમામ ૨૧ આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેની સુવિધા ઉપલબ્ધ બનાવવા અનુરોધ કર્યો હતો.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'વાત્સલ્ય કાર્ડ' અને 'આયુષ્માન ભારત કાર્ડ' બે જ આરોગ્ય કેન્દ્રમાં કાઢી આપવામાં આવતા. જેના અનુસંધાને લોકોને ખુબ જ હાલાકી ભોગવવી પડતી. જેના અનુસંધાને દંડક સુરેન્દ્રસિંહ વાળાએ મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવાને મૌખિક રજુઆત કરેલ. તેમજ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાને તમામ આરોગ્ય કેન્દ્રો પર 'આયુષ્માન ભારત કાર્ડ' કાઢવાની શરૂઆત કરવા પત્ર પાઠવેલ. જેના અનુસંધાને મ્યુનિસિપલ કમિશનર દ્વારા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ૨૧ આરોગ્ય કેન્દ્રોમાં 'આયુષ્માન ભારત કાર્ડ' કાઢવાનું શરૂ કરવામાં આવેલ છે. જે બદલ મેયરશ્રી તથા પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરો દંડક સુરેન્દ્રસિંહએ વ્યકત આભાર વ્યકત કરેલ. આ નિર્ણયથી શહેરના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને તાત્કાલિક 'આયુષ્માન ભારત કાર્ડ' કઢાવી શકશે.જેમાં 'માં અમૃતમ વાત્સલ્ય કાર્ડ' ૧,૬૮,૭૫૧ તથા રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારના મળી 'આયુષ્માન ભારત કાર્ડ' ૩,૭૨,૩૪૦ લોકો ધરાવે છે. 'આયુષ્માન ભારત કાર્ડ' હેઠળ જુદી જુદી ૩૦ જેટલી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે. આયુષ્માન ભારત કાર્ડમાં ગંભીર રોગ સહિત ઉપરાંત ઘણા રોગનો સમાવેશ કરવામાં આવે છે. તેમ અંતમાં સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું.

(3:24 pm IST)