આજીડેમ ચોકડી પાસેથી કારમાં ૫૭ બોટલ દારૂ સાથે પાટડી ખેરવાનો ભુપત પકડાયો
પાટડીના મુન્નો મલેક અને શાપરના લલીત પરમારના નામ ખુલ્યાઃ ભરતસિંહ પરમાર અને ધીરજભાઇ પરમારની બાતમી પરથી કાર્યવાહીઃ કુલ ૫.૩૩ લાખનો મુદ્દામાલ કબ્જે
રાજકોટ તા. ૫: આજીડેમ ચોકડી નજીક ઓવર બ્રિજ પાસેથી આજીડેમ પોલીસની ટીમે સુરેન્દ્રનગરના પાટડી તાબેના ખેરવા ગામના ભુપતલાલ ભલાભાઇ રાઠોડ (ઉ.વ.૩૨) નામના શખ્સને આઇ-૨૦ કારમાં રૂ. ૨૮૫૦૦નો વિદેશી દારૂ ભરીને નીકળતાં પકડી લઇ દારૂ, કાર, મોબાઇલ ફોન મળી રૂ. ૫,૩૩,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસની પુછતાછમાં ભુપતલાલે પાટડીના મુન્નો મલેક અને શાપર (વેરાવળ)ના લલિત પરમારનું નામ આપતાં તેની શોધખોળ થઇ રહી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની સુચના મુજબ પીઆઇ વી. જે. ચાવડા તથા હેડકોન્સ. ભરતસિંહ પરમાર, ધીરજભાઇ પરમાર, કોન્સ. સ્મિત મનસુખભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ભરતસિંહ અને ધીરજભાઇની બાતમી પરથી આ કામગીરી થઇ હતી.