રાજકોટ
News of Saturday, 5th September 2020

પોતાની પત્નિને પડોશી શની સાથે ઓરડીમાં જોઇ જતાં વિકાસ રોષે ભરાયોઃ છરી ભોંકી આંતરડા કાઢી નાંખ્યા

પરમ દિવસે મધરાતે વિકાસની પત્નિ ઘરમાં ન દેખાતાં તપાસ કરતાં તે પડોશી શની સાથે મળી આવતાં ત્યારે બોલાચાલી કરી અને ગઇકાલે ખાર રાખી હુમલો કર્યોઃ ઘાયલ અને હુમલાખોર બંને ઓરિસ્સાના વતનીઃ પોલીસે આરોપી વિકાસને સકંજામાં લીધોઃ કોવિડ ટેસ્ટ કરાવવા તજવીજઃ શનીને એક વર્ષથી પારકી પરણેતર સાથે લફરૂ છેઃ અગાઉ વિકાસ પોતે જ પત્નિને શની પાસે મુકી ગયો'તો

રાજકોટ તા. ૫: ભોમેશ્વર વાડીમાં ભુતનાથ મંદિર પાછળ મફતીયાપરામાં રહેતાં મજૂરી કરતાં મુળ ઓરિસ્સાના યુવાન વિકાસની પત્નિ પરમ દિવસે મોડી રાતે પડોશમાં જ રહેતાં અને મુળ ઓરિસ્સાના યુવાન શનીની ઓરડીમાંથી મળી આવતાં તે બાબતનો ખાર રાખી ગઇકાલે વિકાસે પડોશી શનીને છરી ભોંકી દઇ આંતરડા બહાર કાઢી નાંખતા ગંભીર ઇજા થતાં હોસ્પિટલના બિછાને પહોંચ્યો છે. પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો છે.

પોલીસે આ બારામાં ગંભીર ઇજા પામનાર શની (ઉ.વ.૨૨)ના પિતા વિક્રમભાઇ ખોગેશ્વરભાઇ દિપ (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી તેના પડોશમાં જ રહેતાં મુળ ઓરિસ્સાના વિકાસ શંકરભાઇ સોની સામે આઇપીસી ૩૦૭, ૫૦૪, ૫૦૬ (૨) તથા ૧૩૫ મુજબ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે.

વિક્રમભાઇએ જણાવ્યું હતું કે તેને સંતાનમાં ત્રણ પુત્ર છે. જેમાં સોૈથી નાનો શની કુંવારો છે અને સેન્ટીંગ કામની મજૂરી કરે છે. શનીને પડોશમાં રહેતાં ઓરિસ્સાના વિકાસ સોની (ઉડીયા સોની)ની પત્નિ સાથે એકાદ વર્ષથી પ્રેમસંબંધ છે. આ કારણે અગાઉ વિકાસ તેની પત્નિને શની પાસે મુકી ગયો હતો અને બે મહિના તે શની સાથે જ રહી હતી. વિકાસને સંતાનમાં એક પુત્ર પણ છે. બે મહિના બાદ તે પોતાની પત્નિને પાછી લઇ ગયો હતો. આ પછી પણ  શની અને વિકાસની પત્નિ વચ્ચે પ્રેમસંબંધ ચાલુ હતો. પરમદિવસે મોડી રાતે વિકાસની પત્નિ આવીને શનીની ઓરડીમાં જતી રહી હતી.

એ પછી વિકાસ તેણીને શોધતો શોધતો આવ્યાો હતો અને ઓરડીમાં બંનેને સાથ જોઇ જતાં તે વખતે શની સાથે ઝઘડો કર્યો હતો અને મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આ અંગેનો ખાર રાખી ગઇકાલેવિકાસ છરી સાથે ધસી આવ્યો હતો અને શનીને પેટમાં ભોંકી દઇ આંતરડા કાઢી નાંખ્યા હતાં.

પીઆઇ એલ. એલ. ચાવડા, એએસઆઇ સંજયભાઇ દવે, હેડકોન્સ. વિમલેશભાઇ રાજપૂત અને રામજીભાઇ પટેલે ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો છે. કોવિડ ટેસ્ટ બાદ તેની ધરપકડ થશે. તેણે એવું રટણ કર્યુ હતું કે મારી ઘરવાળીને શની ધરાર લઇ જતો હોવાથી ગુસ્સો આવતાં હુમલો કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:42 am IST)