રાજકોટ
News of Saturday, 5th September 2020

કોરોનાએ ભોગ લીધો

શિક્ષક દિને જ રાજકોટના શિક્ષણના પાયાના પત્થર માહેના ઈન્દુભાઈ ભટ્ટે વિદાય લીધી

છેલ્લા ૨-૩ દિવસથી તેઓની તબીયત ક્રીટીકલ હતીઃ તેમના પુત્ર રવિભાઈ ભટ્ટ અને રવિભાઈના પત્નિ મમતાબેન ભટ્ટ પણ કોરોનામાં સપડાયા છેઃ સૌરાષ્ટ્ર - રાજકોટમાં શિક્ષણના પાયાના પથ્થર ગણાતા ઈન્દુભાઈએ વિદાય લેતા ઘેરા શોકની લાગણી પ્રસરી

રાજકોટ,તા.૫:  શહેરની જાણીતી શિક્ષણ સંસ્થા પ્રિન્સેસ સ્કૂલનાં ઈન્દુભાઈ ભટ્ટે આજે શિક્ષક દિવસે જ વિદાય લીધી છે. તેઓ ૯૩વર્ષના હતા અને છેલ્લા થોડા દિવસોથી કોરોના સામે લડત આપતા હતા. આજે તેમની વિદાયની શિક્ષણ જગતને મોટી ખોટ પડી છે. ૯૦ વર્ષના વડીલ ઈન્દુભાઈએ આજે જોગાનુજોગ શિક્ષકદિને જ કોરોનાની મહામારીમાં વિદાય લીધી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી તેઓ ક્રિટીકલ હતા. રાજકોટ- સૌરાષ્ટ્રમાં શિક્ષણના પાયાના પથ્થર ગણાતા ઈન્દુભાઈએ વિદાય લેતા ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

જે વ્યકિતએ શિક્ષણ શબ્દને સાક્ષાત્કાર કર્યો તેવા ઈન્દુભાઈ ભટ્ટ કે જેઓ ''અંકલજી'' તરીકે ઓળખાતા જીવનની છેલ્લી ઘડી સુધી શિક્ષણક્ષેત્રે અડિખમ રહ્યા. તા.૩-૪-૧૯૨૭નાં રોજ જૂનાગઢ ખાતે તેમનો જન્મ થયેલો. ઈન્દુભાઈએ બહુ જ નાની વયે પિતાની છત્રછાયા ગુમાવી હતી. આ સાથે વિશાળ કુટુંબની જવાબદારીનો બોજ સંભાળતાની સાથે એલ.એલ.બી.નો અભ્યાસ કર્યો. તેમનાં વિદ્યાર્થી જીવનમાં મહાત્મા ગાંધીજી સાથે રાષ્ટ્રીયશાળામાં રહેવાનું સૌભાગ્ય તેમને મળ્યું હતું. આથી ગાંધીજીનાં આદર્શો અને સાદગીભર્યું જીવનનો વારસો તેમણે જીવનમાં વણી લીધો હતો. કુટુંબની જવાબદારી હોવાથી ૧૯૪૮થી તેમણે રૂ.૧૨૫નાં પગારથી કારખાનામાં નોકરીની શરૂઆત કરી બે વર્ષ સુધી કામ કર્યું. ઈન્દુભાઈએ ૧૯૫૦માં સૌરાષ્ટ્ર રેલ્વે કોચ બનાવવાની શરૂઆત પણ કરી હતી. ગોંડલ સ્ટેશનમાં તેમણે રેલ્વેના કોચ બનાવવાની  શરૂઆત કરેલી. તેમણે ૧૯૫૨ થી ૧૯૫૮ સુધી નોર્થ ઈસ્ટર્ન રેલ્વે માટે અલ્હાબાદ અને બરેલીમાં રેલ્વે પેસેન્જર કોચ બનાવી સપ્લાય કર્યા હતા.

દસેક વર્ષ રેલ્વે કોચ બનાવ્યા બાદ ૧૯૬૦માં મધ્યપ્રદેશમાં સિંગરેલાનાં ઘેરા જંગલનાં પહાડ ઉપર કોલસાનો પુષ્કળ જથ્થો હોવાનું સંશોધન થયું. ભારત સરકારે આ પહાડ ઉપર અને ઘેરા જંગલમાં સ્ટાફ, મજુરો, ઓફિસરો માટે સેંકડો મકાનો બનાવવાની જવાબદારી ઈન્દુભાઈ ભટ્ટને સોંપી હતી. આ વખતે તેમનાં લગ્ન થઈ ગયા હતા. રાજકોટનાં ભાનુશંકરભાઈ ત્રિવેદીનાં પુત્રી ધિરજબેન સાથે ઈન્દુભાઈના લગ્ન થયા હતા.

પાંચ વર્ષ સતત ઈલેકટ્રીક સપ્લાય વગર આ ઘેરા જંગલમાં ટેન્ટમાં રહીને પણ તેમણે કામ કરેલું. એ બાદ ઈન્દુભાઈ પરિવાર સાથે રાજકોટ આવ્યા અને ગેસ્ફોર્ડ ટોકીઝ સામે મેંગણી હાઉસ હતું. ત્યાં સ્કૂલની શરૂઆત કરી ઈન્દુભાઈએ તેમની શૈક્ષણિક યાત્રાની શરૂઆત કરેલી. ૫૦ વર્ષથી અવિરત શૈક્ષણિકયાત્રા તેમણે અવિરત ચલાવી. તેમણે અંગ્રેજી માધ્યમની સ્કૂલ ૧૯૭૪માં શરૂ કરી હતી અને સ્વામી સંપૂર્ણાનંદજીએ સ્કૂલનું મુર્હુત કર્યું. ત્યારે સ્કુલનું નામ સેન્ટ કર્વે રાખેલુ એ બાદ ૧૯૮૮થી કાલાવડ રોડ પર પ્રિન્સેસ સ્કૂલની શરૂઆત કરી. શાળાનાં કોઈ બાળકનાં પિતાનું અવસાન થયા અથવા આર્થિક રીતે નબળા હોય તેવા અનેક બાળકોને દત્તક લઈ તેઓએ અભ્યાસ કરાવી તેની કારકિર્દી ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે. આજે શિક્ષણ જગતમાં જેમનું નામ મોખરે હતું તેવા પ્રિન્સેસ સ્કૂલનાં ટ્રસ્ટી અને સર્વેસવા ઈન્દુભાઈ ભટ્ટે કોરોના સામે જંગ હારી આપણી વચ્ચેથી વિદાય લેતા શિક્ષણ જગતને મોટી ખોટ પડી છે. કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળાનાં પરમમિત્ર એવા ઈન્દુભાઈ ભટ્ટ એટલે કે અંકલજીએ જીવનમાં હંમેશા દિર્ઘદ્રષ્ટિ અને મૂલ્યો દ્વારા શૂન્યમાંથી સર્જન કરી એક નવો રાહ ચિંધ્યો હતો. આજે હવે તેમના પુત્ર રવિભાઈ ભટ્ટ, રાજુભાઈ, પૌત્ર મિતભાઈ અને સમગ્ર ભટ્ટ પરિવાર તેમનાં ચિંધેલા રાહ પર ચાલી રહ્યો છે. ઈશ્વર ઈન્દુભાઈનાં આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. (સંકલન- વિગતોઃ પ્રશાંત બક્ષી)

(3:21 pm IST)