રાજકોટ
News of Saturday, 5th September 2020

લાખોના ખર્ચે પણ પારિવારિક હુંફ અને માનવીય સંવેદનાનો અનુભવ ખાનગી હોસ્પિટલમાં ન થયો હોત તે સિવિલમાં થયોઃ નિકુંજ ધાડીયા

સિવિલ કોવિડનો કન્ટ્રોલરૂમ કોરોના સામે દર્દીઓમાં સતત સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છેઃ કન્ટ્રોલ રૂમમાંથી આવતા ફોન મને સતત સધીયારો આપતાં: સાજો થઇને પ્લાઝમા ડોનેટ કરીશ : દર્દી નિકુંજ કહે છે-કારણ વગર બહાર ન નીકળો, સરકારની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરો, માસ્ક પહેરો, વારંવાર હાથ ધોવો

રાજકોટ તા. ૫ :'વ્યકિતએ સ્વયંમ કરેલો અનુભવ જ તેને જે-તે પરિસ્થિતિ માટે સાચું માર્ગદર્શન પુરૃં પાડતું હોય છે. કોરોનાની ઉત્ત્।મ સારવાર માત્ર ખાનગી હોસ્પિટલમાં જ મળશે તેવો મારો ભ્રમ કોવીડ-૧૯ વોર્ડમાં દિવસ-રાત ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓની સેવા-સુશ્રુષાએ તોડયો છે. રાજયના દરેક નાગરીકની સુખાકારી માટે રાજય સરકાર અને આરોગ્ય તંત્ર પુરી પ્રતિબધ્ધતા સાથે કામ કરી રહ્યું છે,તેની અનુભૂતિ મેં ખુદ રાજકોટ સિવિલમાં કોરોનાની સારવાર લેતી વેળાએ કરી છે.' આત્મ સંતોષ સાથે વ્યકત કરેલા આ શબ્દો છે રર વર્ષીય નિકુંજભાઈ ઘાડીયાના.

વીમા કંપની સાથે જોડાયેલો હોવાથી મારે મોટાભાગે ફિલ્ડમાં રહીને કામ કરવાનું થતું હોય હું તા. ૧૯ મી ઓગસ્ટના રોજ કોરોનાથી સંક્રમિત થયો હતો. તેમ જણાવતાં નિકુંજભાઈ કહે છે કે, કોરોના પોઝીટીવ આવતાની સાથે જ સૌ પ્રથમ તો મે ખાનગી હોસ્પિટલમાં સારવાર અંગે પુછપરછ કરી હતી. પરંતુ દરેક બાબતોનો વિચાર કર્યા બાદ કોરોનાની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ જ ઉત્ત્।મ સારવાર મળતી હોવાનું જણાતા મે તેમાં જ સારવાર લેવાનું નક્કી કર્યું.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવાના નિર્ણય અંગે સંતોષ વ્યકત કરતાં કહ્યું હતું કે, '૭ લાખના ખર્ચે પણ ખાનગી હોસ્પિટલમાં મને પારિવારીક હુંફ અને માનવીય સંવેદનાનો અનુભવ ન થયો હોત જે અનુભવ મને કોવીડ-૧૯ વોર્ડના આરોગ્ય કર્મીઓએ કરાવ્યો છે. મેડીકલ સ્ટાફ દ્વારા દર્દીઓ સાથે માનવીયતા સભર વ્યવહારની સાથે રાત્રીના ૧૨ અને સવારના ૬ વાગ્યે દર્દીના આરોગ્યની તપાસ કરવામાં આવે છે. દર્દીને દવાથી માંડીને ભોજન સમયસર મળી રહે તેનું પણ સચોટ આયોજન છે.'

કોરોના સંદર્ભે જિલ્લા વહીવટી તંત્રની શ્રેષ્ઠ કામગીરીનો વધુ પડતો અનુભવ તો ત્યારે થયો કે,હોસ્પિટલમાંથી રજા મેળવ્યા બાદ હોમ આઈશોલેટ થતાં મને દિવસમાં ૨ વખત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોરોના દર્દીઓ માટે અમદાવાદમાં કાર્યરત ૧૧૦૦ નંબર દ્વારા મારી તબિયતની પૃચ્છા માટે ફોન કરતાં. એવું લાગતું જ નહીં કે હું એકલો છું. સાથો સાથ એ પણ સમજાયું કે પી.પી.ઈ. કીટ પહેરીને ૨૪ કલાક કોરોના દર્દીઓ માટે કામ કરતાં,ઘન્વંતરી રથમાં જઈને લોકોના ઘર આંગણે સારવાર કરતા,કંટ્રોલરૂમમાં બેસીને આપણને માનસિક સઘિયારો પુરો પાડતા કોરોના વોરીયર્સને પણ આપણા સહકારની જરૂર છે, તેમ નિકુંજભાઈએ કહ્યું હતું.

કોરોનાની મહામારીમાં પોતાનું યોગદાન આપવા અંગેના વિચારોને રજુ કરતાં નિકુંજભાઈએ જણાવ્યું હતું કે, 'કોરોનાથી સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ હું પ્લાઝમા ડોનેટ કરવા ઈચ્છું છું. તેમજ અન્ય લોકોને એ પણ કહેવા માંગુ છું કે,કારણ વગર ઘરની બહાર નીકળવાનું ટાળીએ,સરકારની કામગીરીને શંકાની દષ્ટિએ જોવાને બદલે સહકાર આપીને સહયોગી બનીએ,પ્લાઝમા ડોનેટ કરીને અન્ય લોકોને નવું જીવનદાન આપીએ.'

માનવીના બહુમુલ્ય જીવનને બચાવવા માટે રાજય સરકાર અને તબીબી જગત ઉદ્દાત ભાવના સાથે પોતાની ફરજ નિભાવી રહ્યું છે. ત્યારે આપણા સૌની ફરજ છે કે કોરોનાને હરાવવા માટે સકારાત્મક ઉર્જા સાથે સરકારે આપેલી કોરોનાની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરીને સ્વની સાથે અન્યના જીવ બચાવીને સહયોગી બનીએ.

(2:35 pm IST)