રાજકોટ
News of Saturday, 5th September 2020

ઓટો રિક્ષામાં બેસાડી પેસેન્જરોના પાકીટ તફડાવતી ગેંગના સાગ્રીતોની જામીન રદ

રાજકોટ,તા.૫ : ઓટો રિક્ષામાં પેસેન્જરોના ખિસ્સા માંથી પાકીટ તફડાવતી ગેન્ગના સાગ્રીતોની જામીન અરજીને રદ કરી હતી.

ગત તા. ૧૦-૮-૨૦ નારોજ ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ તિરૂપતી બાલાજી સોસાયટીમાં રહેતા અમિતભાઈ મુકેશભાઈ કાકડીયા ગ્રીનલેન્ડ ચોકડીએથી ઓટો રિક્ષામાં બેઠા ત્યારે તે રિક્ષામાં પહેલેથી બે માણસ બેઠા હતા તેમા ફરિયાદી અમિતભાઈ બેઠા બાદ રિક્ષા ચાલકે રિક્ષા ચલાવવા લાગેલ અને થોડે દુર જતા તેમા બેઠેલા બે વ્યકતી પૈકી એક વ્યકતીએ ઉલ્ટી થવાનું થાટક કર્યું અને રિક્ષાની બહાર મોઢુ કાઢવા લાગેલ તે દરમ્યાન ફરિયાદી અમિતભાઈનું પાકીટ સેરવી લીધુ આ દરમ્યાન રિક્ષા ચાલક અને તેમા બેઠેલ તેના સાગરીતો એ ફરીયાદીને જણાવેલ કે તમે ઉતરી જાવ આને દવાખાને લઈ જવો પડશે તેમ કહી ફરીયાદીને રસ્તામાં ઉતારી મુકેલ અને રિક્ષા ચાલકે રીક્ષા હંકારી મુકેલ ફરીયાદી અમિતભાઈ એ રીક્ષા માથી ઉતરયા બાદ જોયુ તો તેમનું પાકીટ ગાયબ હતુ અને તેમા ૧૭૦૦૦ જેટલી રોકડ રકમ હતી તે રીક્ષામાં બેઠેલ બે વ્યકતી તથા રીક્ષા ચાલક બધાએ ભેગા મળી તેમનું પાકીટ લઈ લીધાનું જાણ થતા તેઓએ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લખાવેલ.

આ ગુન્હાની તપાસમા આરોપીઓ પકડાઈ જતા આરોપી નં.(૧) અમિત ઉર્ફે સુનીલ રાજુભાઈ ડોડીયા રહે. ભગવતીપરા શેરી નં. ૩ તથા (ર) અનિલ પ્રવિણભાઈ રાઠોડ રહે. આ.ટી.ઓ. પાછળ મફતીયાપરા વાળાએ સેસન્સ અદાલતમાં જામીન ઉપર છુટવા જામીન અરજી કરતા સરકાર પક્ષે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા હાજર થયેલ અને જામીન અરજીનો વીરોધ કરતા જણાવેલ કે આરોપીઓ સામે સમાજ વીરોધી ગુન્હો છે અને સામાન્ય માણસ દરરોજ રીક્ષામાં આવજા કરતો હોય છે અને આવા ગુન્હાના આરોપીઓને જો જામીન ઉપર છોડવામાં આવશે તો ફરી આવા ગુન્હા કરશે અને લોકોને આવા ગુન્હાનો ભોગ બનવુ પડશે અને રોજીંદા આવા ગુન્હાઓ વધતા જાય છે તેથી આરોપીઓની જામીન અરજી રદ કરવી જોઈએ. સરકાર પક્ષની દલીલને માન્ય રાખી સેસન્સ જજ  બી.બી.જાદવે આરોપીઓની જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે એ.પી.પી. મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા.

(2:43 pm IST)