રાજકોટ
News of Saturday, 5th September 2020

હવે મેડીકલ સ્ટોરમાં તાવ-શરદી, ઉધરસની દવા લેવા જનારના પણ કોરોના ટેસ્ટ : ઉદીત અગ્રવાલ

મોટા કોમ્પ્લેક્ષ, સોસાયયટીઓ અને એપાર્ટમેન્ટોમાં રેપીડ ટેસ્ટ શરૂ

રાજકોટ, તા. પ : શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા તંત્રએ મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટ વધારવા વિવિધ કામગીરી અમલી બનાવી છે તેના અંતર્ગત હવેથી મેડીકલ સ્ટોરમાં તાવ-શરદી કે ઉધરસની દવા લેવા જનારનો પણ જરૂર પડ્યે કોરોના ટેસ્ટ કરવાની આખી માઇક્રો લેવલની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

મ્યુ. કમિશનર ઉદ્દિત અગ્રવાલે જાહેર કર્યા મુજબ શહેરમાં અંદાજે ૧ હજાર જેટલા મેડીકલ સ્ટોર છે. આ મેડીકલ સ્ટોરમાં હવે થી જે કોઇપણ વ્યકિત તાવ-શરદી કે ઉધરસની દવા લેશે તે વ્યકિતનું મેડીકલ સ્ટોરમાં નામ-સરનામું અને મોબાઇલ નંબર નોંધાશે. આ નામ સરનામા જે તે વિસ્તારમાં મેડીકલ સ્ટોર હશે તેના વોર્ડ ઓફીસરને રોજેરોજ આપી દેવાશે અને આ વોર્ડ ઓફીસર તેના વિસ્તારના મેડીકલ સ્ટોરનું વોટસએપ ગ્રૃપ બનાવી તેની વિગતો વોર્ડના મેડીકલ ઓફિસરને મોકલશે. મેડીકલ ઓફિસર દર્દીને ફોન કરી અને તેની તબીયતની જાણકારી મેળવેશ અને જરૂર પડશે તો દર્દીનો કોરોના ટેસ્ટ કરાવશે.

આ ઉપરાંત ખાનગી ૩૦ થી ૪૦ જેટલા ડોકટરો પાસેથી પણ તાવ-શરદી વિગેરેના દર્દીની જાણકારી કોર્પોરેશનના ડોકટર જયદીપ જોષી એકત્રીત કરી રહ્યા છે અને બિલ્ડીંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, મોટી સોસાયટીઓ વિગેરેમાં રેપીડ ટેસ્ટ કરી કોરોના સંક્રમિતને શોધવા કામગીરી શરૂ કરાઇ છે. આમ શહેરમાં હાલ તુરંત સમગ્ર કોર્પોરેશન તંત્ર કોરોનાની કામગીરીમાં લાગી ગયું છે.

(3:18 pm IST)