રાજકોટ
News of Tuesday, 6th December 2022

રાજકોટમાં આરોગ્‍ય તંત્ર દ્વારા સર્વે શરૂઃ હેલ્‍થ-આશા વર્કરોને ફીલ્‍ડમાં ઉતારાયા

અમદાવાદમાં ૩૮ બાળકો ઓરી-અછબડાની ઝપટે ચડતા આરોગ્‍ય તંત્ર હરકતમાં : ડબલ્‍યુએચઓના માર્ગદર્શન હેઠળ રાજયની તમામ કોર્પોરેશનમાં સર્વેની સુચનાઃ તબક્કાવાઇઝ દરેક વિસ્‍તારોમાં તપાસ : બાળકોના શરીર ઉપર લાલ ચાઠા, ખીલ, ગુમડાના નિશાન જોવા મળે તો તુરંત નિદાન કરાવોઃ તંત્રની અપીલ

શહેરમાં  ડબલ્‍યુએચઓના માર્ગદર્શન હેઠળ મનપાના ફિમેલ વર્કર અને આશા વર્કરના કર્મચારીઓ દ્વારા વિવિધ વિસ્‍તારોમાં  ઓરી, અછબડા અંગે બાળકોનો  સર્વે હાથ ધરવામાં આવ્‍યો છે. તે વખતની તસ્‍વીર.

 

રાજકોટ, તા., ૫: અમદાવાદમાં ઓરી, અછબડાના એકી સાથે ૩૮ કેસ મળી આવતા  રાજયનું આરોગ્‍ય તંત્ર હરકતમાં આવી ગયું છે. મહાનગર પાલીકાના સ્‍લમ સહીતના વિસ્‍તારોમાં બાળકોનો સર્વે  હાથ ધરવા સુચના આપવામાં આવી છે.

આ અંગેની પ્રાપ્ત માહીતી મુજબ અમદાવાદમાં ઓરી, અછબડાના ૩૮ કેસ નોંધાતા અરેરાટી ફેલાઇ છે. એકી સાથે આટલી મોટી સંખ્‍યામાં બાળકોને ઓરી, અછબડા થતા રાજયનું આરોગ્‍ય તંત્ર દ્વારા  વિશ્વ આરોગ્‍ય સંસ્‍થાના માર્ગદર્શન હેઠળ રાજયની તમામ મ્‍યુનીસીપલ કોર્પોરેશનના તબક્કાવાઇઝ સ્‍લમ સહીતના વિસ્‍તારોમાં બાળકોને ઓરી, અછબડાની રસી અપાઇ છે કે નહિ, ૩ વર્ષમાં વિસ્‍તારોમાં આ કેસ નોંધાયા છે કે નહિ જેનો સર્વે હાથ ધરવા સુચના આપવામાં આવી છે.

વિશ્વ આરોગ્‍ય સંસ્‍થાના માર્ગદર્શન હેઠળ રાજકોટના ૧૮ વોર્ડ અને ર૧ આરોગ્‍ય કેન્‍દ્રના વિસ્‍તારમાં આવતા ઝુંપડપટ્ટી સહીતના વિસ્‍તારોમાં ૧૬૦ ફીમેઇલ હેલ્‍થ વર્કર અને ૩પ૦ આશા વર્કર દ્વારા સર્વે હાથ ધરાયો છે.

ઓરી, અછબડા ૯ મહિનાથી પાંચ વર્ષ સુધીના બાળકોને થતો હોય છે. આ રોગ માટે મીઝેલ્‍સ  અને રૂબાલા રસી આપવામાં આવે છે. જે ૯ માસ, દોઢ વર્ષ તથા પાંચ વર્ષે બાળકોને રસી અપાતી હોય છે. જે બાળકોને રસી ન આપવામાં આવી હોય તો પાંચ વર્ષથી ૧પ વર્ષ સુધીમાં ઓરી, અછબડા થઇ શકે છે.

મનપા તંત્રના આરોગ્‍ય અધિકારીએ બાળકના શરીર પર લાલ ચાઠા, ખીલ, ગુમડાના ચિન્‍હો દેખાય તો તુરંત નિદાન કરાવવા અપીલ કરી છે.

(4:22 pm IST)