ત્રણ ત્રણ વખત ઝઘડાને શાંત પાડવા પ્રયાસ થયો પણ છેલ્લે પ્રકાશે ઇંટના ઘા મારી સાહિલને પતાવી દીધો
ઘંટેશ્વર ૨૫ વારીયામાં સાહિલે પડોશી મણીનો હાથ પકડતાં તેના પતિ પ્રકાશ ઉર્ફ બકુલ સોલંકીએ ઢીમ ઢાળી દીધું: આરોપી સકંજામાં : એક વખત બનેવીએ છુટા પાડયા, બીજી વખત લત્તાવાસીઓએ છુટા પાડયા, એ પછી પોલીસની ગાડી આવતાં જોઇ બંને દોડીને દૂર રેલ્વેના પાટા પાસે જઇ ફરી ઝઘડવા માંડયા અને હત્યા થઇઃ ગાંધીગ્રામ પોલીસે હત્યાનો ભોગ બનનારના બનેવીની ફરિયાદ નોંધી
હત્યાનો ભોગ બનેલા સાહિલ ડોસાણીનો લોહીલુહાણ નિષ્પ્રાણ દેહ અને તેનો ફાઇલ ફોટો જોઇ શકાય છે
રાજકોટ તા. ૬: શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતાં યુવાનની તેના જ પડોશમાં રહેતાં શખ્સે તું કેમ મારી પત્નિનો હાથ પકડે છે? તેમ કહી ઝઘડો કરી ઇંટોના ઘા ફટકારી પતાવી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ગાંધીગ્રામ પોલીસે ગણતરીના સમયમાં આરોપીને પકડી લીધો હતો. ઝઘડો ચાલુ થયો ત્યારે મૃતકને તેના બનેવી અને બીજા લોકોએ છોડાવ્યો હતો. પણ બંને ફરી ઝઘડવા માંડતાં લત્તાવાસીઓએ છોડાવ્યા હતાં. એ દરમિયાન પોલીસની ગાડી આવતાં જોઇ બંને દોટ મુકી જ્યાં ઝઘડતાં હતાં ત્યાંથી દૂર રેલ્વેના પાટા પાસે ભાગી ગયા હતાં અને ત્યાં જઇ ફરીથી ઝઘડો કરતાં આરોપીએ ઇંટ ઉપાડી ઘા મારી દીધા હતાં જે જીવલેણ સાબિત થયા હતાં.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે આ બનાવમાં હત્યાનો ભોગ બનેલા સોહિલ રઝાકભાઇ ડોસાણી (મેમણ) (ઉ.વ.૨૫)ના બનેવી ઘંટેશ્વર ૨૫ વારીયામાં જ ક્વાર્ટર નં. ૨૫૯માં રહેતાં સોહિલભાઇ ઇસ્માઇલભાઇ ચોધરી (ઉ.વ.૪૦)ની ફરિયાદને આધારે ઘંટેશ્વર ૨૫ વારીયામાં જ રહેતાં પ્રકાશ ઉર્ફ બકુલ નથુભાઇ સોલંકી વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે.
સોહિલભાઇએ જણાવ્યું છે કે હું પત્નિ હસીના અને ચાર સંતાન સાથે રહુ છું અને જ્યુબીલીમાં ફ્રુટ વેંચુ છું. અમારા લત્તામાં જ મારો સાળો સોહિલ ઉર્ફ રાજા રઝાકભાઇ ડોસાણી તેની પત્નિ મુમતાઝ ઉર્ફ મનિષા સાથે રહે છે અને તેને એક દિકરો તથા એક દિકરી છે. સોહિલ લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં બસોમાંથી પાર્સલ ચડાવવા ઉતારવાની મજૂરી કરતો હતો.
રવિવારે હું ઘરે હતો ત્યારે લત્તાના કોઇ છોકરાએ કહેલું કે કકૂના ઘર પાસે તમારા સાળા સોહિલને ઝઘડો થયો છે. આથી હું તુરત ત્યાં પહોંચ્યો હતો. ત્યાં જઇને જોતાં મારા સાળા સોહિલ સાથે પડોશમાં જ રહેતો પ્રકાશ ઉર્ફ બકુલ નથુભાઇ સોલંકી ગાળાગોળી કરી ઝઘડો કરતો હતો. મેં ઝડઘાનું કારણ પુછતાં સોહિલે કહેલું કે આ પ્રકાશ ઉર્ફ બકુલ મને એમ કહે છે કે તે મારી પત્નિનો હાથ શું કામ પકડયો? આ સાંભળી મેં બંનેને સમજાવી ઝઘડો ન કરવા કહ્યું હતું. પરંતુ બંને ફરીથી ઝઘડો કરવા માંડતાં લત્તાના લોકો ભેગા થઇ ગયા હતાં અને બંનેને છોડાવ્યા હતાં.
એ પછી કોઇએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરતાં પોલીસની મોબાઇલ આવી હતી. પોલીસની ગાડી આવતી જોઇ મારો સાળો સાહિલ અને પ્રકાશ ઉર્ફ બકૂલ ઝઘડો કરતાં કરતાં દોડીને રેલ્વેના પાટા તરફ ક્વાર્ટર નં. ૬૬૮ તરફ ભાગ્યા હતાં. આથી હું અને બીજા લોકો પણ ત્યાં પહોંચ્યા હતાં અને બીજા પડોશીઓ બિલકીશબેન, જાવેદભાઇ, જયશ્રીબેન સહિતના પણ આવી ગયા હતાં. પોલીસ પણ દોટ મુકી પહોંચે એ પહેલા અને હું બંનેને છોડાવું એ પહેલા પ્રકાશ ઉર્ફ બકુલે ઇંટ ઉપાડી મારા સાળા સોહિલને મોઢા-માથાના ભાગે ત્રણ-ચાર ઘા ફટકારી દીધા હતાં. આ કારણે તે લોહીલુહાણ થઇ ઢળી પડયો હતો. કોઇએ ૧૦૮ બોલાવતાં અમે તેને દવાખાને લઇ ગયા હતાં. પરંતુ સારવાર ચાલુ થઇ તેની થોડીવારમાં જ મારા સાળાનું મોત થયું હતું. પ્રકાશ ઉર્ફ બકુલે પોતાની પત્નિનો હાથ મારા સાળા સોહિલે પકડયો હોવાનું કહી ઝઘડો કરી ઇંટોના ઘા ફટકારી તેની હત્યા કરી હતી. તેમ વધુમાં બનેવી સોહિલભાઇ ચોધરીએ જણાવતાં પીઆઇ એસ. એસ. રાણે, એએસઆઇ હીરાભાઇ રબારી સહિતે ગુનો નોંધ્યો હતો. પીએસઆઇ જે. જી. રાણા તથા ટીમના ખોડુભા જાડેજા, શબ્બીરભાઈ મલેક, ગોપાલભાઈ બોરીયા, ગોપાલભાઈ પાટીલ, ભરતભાઇ, પ્રદીપભાઈ, મહેશભાઈ કછોટ, મોંટુભાઈ મકવાણા સહિતની ટીમે આરોપી ભાગી જાય એ પહેલા ગણતરીના સમયમાં તેને સકંજામાં લઇ ખરેખર શું બન્યું હતું? તે જાણવા વિશેષ તપાસ યથાવત રાખી છે. ધરપકડ બાદ જરૂર જણાયે પોલીસ રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી કરશે. અન્ય એક શખ્સને પણ પુછતાછ માટે બોલાવ્યો હતો. મૃતદેહનું પોસ્ટ મોર્ટમ આજે સવારે કરવામાં આવ્યું હતું. (૧૪.૬)
સાહિલના માતા જેનાબેને કહ્યું-પ્રકાશની ઘરવાળીએ ‘ભાઇ મને ઉભી કર'તો'...એમ કહેતાં મારા દિકરાએ તેનો હાથ પકડયો હતો
સાહિલના ભાઇ રહિમની પણ આઠ વર્ષ પહેલા હત્યા થઇ હતી
ઞ્જ હત્યાનો ભોગ બનેલા સાહિલના માતા જેનાબેન ડોસાણીએ કહ્યું હતું કે પ્રકાશ ઉર્ફ બકુલની ઘરવાણી મણી ત્યાં બેઠી હોઇ તેને ઉભુ થવું હતું આથી તેણે મારા દિકરા સાહિલને ‘ભાઇ મને ઉભી કર તો' એમ કહેતાં સાહિલે તેનો હાથ પકડી ઉભી કરી હતી. આ વખતે પ્રકાશે મારા દિકરા પર ખોટો આરોપ મુકી ઝઘડો કરી હત્યા કરી હતી. મારા અન્ય એક દિકરા રહિમની પણ આઠ વર્ષ પહેલા હત્યા થઇ હતી. સોહિલ ચાર ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતો.