રાજકોટ
News of Monday, 6th February 2023

તું અને તારો ભાઇ હવે નજરે ચડશો તો મારી નાંખીશ...ભીચરીના યુવાનને માર મારી ધમકી

હરેશભાઇ બોરીચાના ભાઇ અલ્‍પેશભાઇની દિકરીએ ભીચરીના ભરત હુંબલ સાથે લવમેરેજ કર્યા હોઇ તેની સાથે સંબંધ ન રાખતાં ડખ્‍ખો કરાયાની ફરિયાદ

રાજકોટ તા. ૬: મુંજકા રહેતાં યુવાનને સંત કબીર રોડના નાલા પાસે ભીચરીના શખ્‍સ અને અજાણ્‍યાએ અટકાવી તું અને તારો ભાઇ હવે પછી નજરે ચડશો તો મારી નાંખીશ...તેમ કહી ધમકી આપી ઢીકાપાટુનો માર મારી પછાડી દેતાં ફરિયાદ થઇ છે.  આ યુવાનની ભત્રીજીએ જેની સાથે લવમેરેજ કર્યા છે એ યુવાનના સગાએ આ ડખ્‍ખો કર્યો હતો.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે મુંજકા ચોકડી પાસે ક્રાઇસ્‍ટ કોલેજ રોડ પર સરકારી આવાસ પાસે રહેતાં અને જીલ્લા ગાર્ડન ગેઇટ સામે પણ રહેણાંક ધરાવતાં હરેશભાઇ લાભુભાઇ બોરીચા (ઉ.વ.૪૦)ની ફરિયાદને આધારે ભીચરી ગામના અજય રાયાભાઇ હુંબલ અને તેની સાથેના અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. હરેશભાઇ બોરીચાએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને જુના મકાન પાડવાનું ઉધડુ કામ રાખી ગુજરાન ચલાવુ છું. મારા ભાઇ અલ્‍પેશભાઇની કિદરી કૃપાલી (ઉ.વ.૨૧)એ એકાદ મહિના પહો ભીચરીના ભરત હુંબલ સાથે લવમેરેજ કર્યા છે. આ કારણે મારા ભાઇ અને ભરત હુ઼બલના કુટુંબ-પરિવાર વચ્‍ચે મનદુઃખ થયું હતું. તા.૨/૧ના સાંજે પોણા આઠેક વાગ્‍યે હું આરટીઓ ઓફિસ પાછળ શિવમ્‌ સોસાયટીમાં રહેતાં મારા બહેન શોભનાબેનના ઘરે વ્‍યવહારીક કામ માટે ગયો હતો અને ત્‍યાંથી બાઇક હંકારી મુંજકા ઘરે જતો હતો ત્‍યારે સંત કબીર રોડના નાલા નીચેથી રોડ પર આગળ વધતાં કાકડીયા ઓટો કન્‍સલ્‍ટ નામની ઓફિસ પાસે પહોંચ્‍યો હતો.

એ સ્‍થળે મારી ભત્રીજી કૃપાલીએ જેની સાથે લવમેરેજ કર્યા છે તે ભરત હુ઼બલના સગા ઓવ અજય હુંબલ અને તેની સાથે અજાણ્‍યા એક શખ્‍સનો મને ભેટો થઇ જતાં અજયએ રાડ પાડીને મને બોલાવતાં હું મારું વાહન ઉભુ રાખી તેની પાસે જતા અને શું કામ છે? તેમ પુછતાં તેણે કહેલું કે-તારા મોટા ભાઇ અલ્‍પેશભાઇની દિકરી અમારા કુટુંબના છોકરા સાથે લવમેરેજ કર્યા છે તેમાં તારા ભાઇ કેમ ભરત હુ઼બલ અને તેના કુટુંબ સાથે મનદુઃખ રાખે છે? આથી મેં કહેલું કે આ અંગેની વાત તમે મારા ભાઇ સાથે  જ કરજો. આમ કહેતાં અજય અને તેની સાથેના અજાણ્‍યાએ મને ગાળો દીધી હતી અને ઢીકાપાટુનો માર મારી પછાડી દીધો હતો.

તેમજ અજયએ હવે પછી તું અને તારો ભાઇ અલ્‍પેશ મારી નજરે ચડશો તો બંનેને મારી નાંખીશ તેમ કહી ધમકી આપી હતી. લોકો ભેગા થઇ જતાં બંને ભાગી ગયા હતાં અને હું મારા જુના ઘર જીલ્લા ગાર્ડન પાસે હોઇ ત્‍યાં ગયો હતો. મને દુઃખાવો થતા઼ સારવાર માટે દાખલ થયો હતો. જે તે વખતે ફરિયાદ કરી નહોતી. પણ હવે પરિવારે ફરિયાદ કરવાનું કહેતાં પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં હરેશભાઇએ જણાવતાં હેડકોન્‍સ. અશ્વિનભાઇ રાઠોડે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:45 pm IST)