રાજકોટ
News of Monday, 6th February 2023

પોલીસે ૪.૯૪ કરોડના દારૂનો કર્યો નાશ

પ્‍યાસીઓના જીવ બળી જાય તેવી કાર્યવાહીઃ સોખડાની સીમમાં ૧,૪૦,૨૯૧ બોટલો પર બૂલડોઝર ફર્યુ : ડીસીપી સજ્જનસિંહ પરમારે જણાવ્યું-છેલ્લા આઠ મહિનામાં ૧૨ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાંચે ૮૩૩ કેસ નોîધી આ દારૂ પકડ્યો હતો

રાજકોટ તા. ૬: દારૂબંધી ધરાવતાં ગુજરાત રાજ્‍યમાં રોજબરોજ ગેરકાયદેસર દારૂ ઝડપાતો રહે છે અને બૂટલેગરો વિરૂધ્‍ધ કાર્યવાહી થતી રહે છે. અમુક મહિનાઓ પછી ઝડપાયેલા આ ગેરકાયદે દારૂનો નિયમો મુજબ નાશ કરવાનો હોય છે. અલગ અલગ શહેર, જીલ્લાની પોલીસ દ્વારા આ કામગીરી થતી હોય છે. આજે રાજકોટ શહેર પોલીસે પ્‍યાસીઓના જીવ બળી જાય તેવી કાર્યવાહી વધુ એક વખત કરી હતી. કુવાડવા રોડ સાત હનુમાનથી આગળ સોખડા-નાકરાવાડી વચ્‍ચેના ખરાબામાં આજે શહેર પોલીસે છેલ્લા આઠ મહિનામાં પકડેલા અધધધ ૪ કરોડ ૯૪ લાખ ૩૫ હજાર ૮૭૯ની કિંમતના ૧,૪૦,૨૯૧ બોટલ દારૂનો નાશ કરવામાં આવ્‍યો હતો.

શહેર પોલીસ દારૂબંધીનો કડક અમલ થાય તે માટે સતત કામગીરી કરતી રહેતી હોય છે. આમ છતાં નાના મોટા બૂટલેગરો કોઇપણ રીતે શહેરમાં દારૂ ઘુસાડી દેવામાં સફળ થતાં હોય છે. શહેરના બાર પોલીસ સ્‍ટેશન અને શહેર ક્રાઇમ બ્રાંચ પોલીસની ટીમો દ્વારા દારૂના કેસ કરી જપ્‍ત થયેલી ગેરકાયદે બોટલોને મુદ્દામાલ તરીકે સાચવી રાખવામાં આવે છે. અમુક મહિનાઓ પછી તમામ પોલીસ સ્‍ટેશન અને બ્રાંચે પકડેલા આ દારૂનો એક સાથે નાશ કરવામાં આવતો હોય છે. ગૃહ વિભાગના ઠરાવ અનુસાર કાર્યવાહી કરી કોર્ટ દ્વારા આ મુદ્દામાલના નાશનો હુકમ મેળવી શહેર પોલીસ આવા દારૂના જથ્‍થાનો નાશ કરતી હોય છે.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ અને સંયુકત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયાની રાહબરીમાં આજે દારૂનો નાશ કરવાની કાર્યવાહી સોખડા-નાકરાવાડી વચ્‍ચેના સરકારી ખરાબામાં થઇ હતી. ડીસીપી ઝોન-૧શ્રી સજ્જનસિંહ પરમારે વિગતો આપતાં જણાવ્‍યું હતું કે આજે સવારે અગિયાર કલાકે ગેરકાયદે ઝડપાયેલા દારૂના જથ્‍થાનો નાશ કરવામાં આવ્‍યો છે.  શહેર પોલીસના કુલ ૧૨ પોલીસ સ્‍ટેશનો અને ડીસીબી પોલીસ સ્‍ટેશન દ્વારા આ દારૂ પકડવામાં આવ્‍યો હતો.

ઝોન-૧ હેઠળના પોલીસ સ્‍ટેશનો દ્વારા  ૩૫૫   કેસ કરી દારૂ બીયરની ૮૧૩૯૭ બોટલો પકડવામાં આવી હતી. જેની કિંમત રૂા. ૨,૮૧,૪૫,૩૬૫ થતી હતી. જ્‍યારે ઝોન-૨ હેઠળના પોલીસ સ્‍ટેશનો દ્વારા ૨૮૬ કેસમાં ૧૬૧૧૬ બોટલો પકડાઇ હતી, જેની કિંમત રૂા. ૫૩,૧૯,૨૪૪ થતી હતી. તેમજ ડીસીબી-ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્‍ટેશન દ્વારા ૧૯૨ કેસ કરી રૂા. ૧,૫૯,૧૧,૨૭૦નો ૪૨૭૭૮ બોટલ દારૂ-બીયર પકડવામાં આવ્‍યો હતો. આમ કુલ ૮૩૩ કેસમાં ૧,૪૦,૨૯૧ બોટલો જપ્‍ત થઇ હતી. જેની કિંમત રૂા. ૪,૯૪,૩૫,૮૭૯ થતી હતી. આ તમામ દારૂ-બીયરના જથ્‍થાનો નાશ કરવાની કાર્યવાહી નશાબંધી આબકારી અધિકારીશ્રી તથા ડેપ્‍યુટી કલેક્‍ટરશ્રીની અને પોલીસ અધિકારીઓની હાજરીમાં થઇ હતી. તેમ ડીસીપીશ્રી સજ્જનસિંહ પરમારે વધુમાં જણાવ્‍યું હતું.

 

(3:53 pm IST)