રાજકોટ
News of Thursday, 6th May 2021

પીડીયુ મેડિકલ કોલેજના ૧૯૦ તબિબી શિક્ષકોના સુત્રોચ્ચારઃ કોરોના વોરિયર્સ સાથે સતત અન્યાયઃ માંગણીઓ પુરી ન થાય તો હડતાલ

વહિવટી વિલંબ એ અત્યાચાર...નહિ ચાલે નહિ ચાલે...બેનર સાથે સુત્રોચ્ચાર

પીડીયુ મેડિકલ કોલેજ ખાતે તબિબી શિક્ષકોએ પડતર માંગણીઓ પુરી કરવામાં નહિ આવે તો વિરોધ પ્રદર્શન શરૂ થશે તેવી ચિમકી ઉચ્ચારી બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૬: ગુજરાત રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના ૧૩૦૦થી વધુ તબિબી શિક્ષકો (પ્રોફેસર્સ)ની અનેક પડતર માંગણીઓનો લાંબા સમયથી ઉકેલ આવ્યો ન હોઇ અને આ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં વાજબી અને ન્યાયિક પ્રશ્નોનો હલ થયો ન હોઇ હવે રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના ૧૯૦ તબિબી પ્રોફેસરો કે જે કોવિડ-૧૯માં નિરંતર ફરજ બજાવી રહ્યા છે તેઓ સોમવારથી રાજ્યવ્યાપી આંદોલનમાં સામેલ થાય તેવી શકયતા છે.

આ મામલે આજે સિનીયર પ્રોફેસેર ડો. કમલ ડોડીયાએ જણાવ્યું હતું કે ચોવીસ કલાકમાં આપણને સારું રિઝલ્ટ મળે તેવી આશા રાખી હતી. પરંતુ હજુ કોઇ ઉકેલ આવ્યો નથી. તેમણે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગના અન્ય ઘટકો હડતાલ પાડી પોતાની માંગણીઓ મંજુર કરાવવામાં સફળ થયા છે. ત્યારે તબિબી શિક્ષકોના નમ્ર કાર્યદક્ષ સ્વ્ભાવ અને સરકાર પર ભરોસો રાખ્યા છતાં કોઇ કાર્યવહી કરવામાં આવી નથી. આ કારણે તબિબી શિક્ષકોમાં ભારે રોષ ફેલાયો છે. હવે પડતર પ્રશ્નોનો નિવેડો નહિ આવે તો ગુજરાતભરના સરકારી તબિબી પ્રોફેસરો હડતાલ પર ઉતરવા મજબૂર થશે. અમારી તબિબી શિક્ષકોની પડતર માંગણીઓ આ મુજબ છે.

(૧) તમામ એડહોક તબિબી શિક્ષકોની સેવા વિનીમયીત કરવામાં આવે, એક જ સ્થાઇ ઠરાવથી આદેશ કરી નિયમિત કરવામાં આવે. (૨)રેગ્યુલર તબિબી શિક્ષકોની બાકી રહેલી સેવા વિનિયમિત અને સેવા સળંગના ઓર્ડર કરવામાં આવે, એક જ સ્થાઇ ઠરાવથી આદેશ કરવામાં આવે. (૩) ૨૦૧૭થી સાતમા પગાર પંચ મુજબ નવા એનપીએ અને પર્સનલ પે મંજુર કરવામાં આવે, પગારની મહત્તમ મર્યાદા ૨૦૧૭ના ઠરાવ મુજબ રૂ. ૨,૩૭,૫૦૦ કરવામાં આવે. (૪) સીએએસ અને ટીકૂ માટે એલિજિબલ તબિબી શિક્ષકોને સીએએસ અને ટીકૂના આદેશો તુરત કરવામાં આવે (૫) તબિબી શિક્ષણમાં બાકી રહેલા માત્ર એડહોક ટ્યુમરને ૭મા પગાર મુજબનો પગાર મંજુર કરવામાં આવે. તેવીજ રીતે જીએમઆરએસમાં લીન પર ફરજ બજાવતાં સરકારી તબિબી શિક્ષકોને ૭મા પગારપંચ મુજબ પગાર આપવો. (૬) સીએએસ બાદ નામાભિધાનની ૨૦૧૭થી પડતર ફાઇલનો તુરત આદેશ કરવામાં આવે. (૭) બાકી રહેલા ૧૫ ટકા સિનિયર ટ્યુટર માટે ત્રીજુ ટીકૂ અને ૧૦ ટકા સિનિયર પ્રાધ્યાપકો માટે હેગના આદેશો તુરત કરવામાં આવે. (૮) તમામ ડીપીસીના તુરત આદેશો કરવામાં આવે. (૯) આરોગ્ય વિભાગ અંતર્ગત કરવામાં આવેલ તમામ એડહોક કે જીપીએસસી સેવાઓને હાલની સેવા સાથે જોડવાની પોલીસી ફાઇલને તુરત મંજુર કરવામાં આવે. (૧૦) જીપીએસસી અને ડીપીસી નિયમિત રીતે દર વર્ષે કરવામાં આવે. તેમજ સીએએસ-ટીકૂના આદેશો નિયમિત માસ્કિ રીતે થાય. (૧૧) હાલ ફિડર કેડરમાં એડહોક સેવા બજાવતાં તમામ તબિબી શિક્ષકો માટે જીપીએસસી પરિક્ષાઓ કરવામાં આવે. (૧૨) જીપીએસસી પરિક્ષાઓમાં સરકારી મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલમાં ફરજ બજાવતાં પૂર્ણકાલીન શિક્ષકોને પ્રાથમિકતા આપવામાં આવે. (૧૩)કરારીય નિમણુંક તુરંત બંધ કરવામાં આવે. (૧૪) દસ વર્ષની નિયમિત સેવા બાદ વિકલ્પ આપી પ્રાઇવેટ પ્રેકટીસ કરવાની છૂટ આપવામાં આવે.

ગુજરાતના ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ (તબિબી શિક્ષકો)ની આ પડતર માંગણીઓનો ઉકેલ ન આવતાં વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવશે તે અંગે રાજ્યભરના સરકારી તબિબી શિક્ષકોએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પણ વધુ એક વખત રજૂઆત કરી છે. અગાઉ ૨૭/૦૮/૨૦, ૨૬/૦૮/૨૦, ૧૫/૦૩/૨૧ના રોજ પણ રજૂઆતો કરી હતી. ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ તબિબી શિક્ષકો સતત રાજ્ય સરકારની સાથે છે, મહામારીના અંત સુધી સાથે રહેવા તન-મનથી સાથ આપવા કટીબધ્ધ છે છતાં ઘોર અન્યાય કરવામાં આવી રહ્યો હોઇ ના છુટકે આંદોલનનો માર્ગ અપનાવવો પડે તેવી હાલત ઉભી થઇ છે. જો રાજકોટના તબિબી શિક્ષકો હડતાલમાં જોડાશે તો કોવિડ-૧૯ની સારવારમાં ભારે વિક્ષેપો ઉભા થઇ શકે તેવો ભય છે.

આજે તબિબી શિક્ષકોએ આગેવાન ડો. કમલ ડોડીયા, ડો. ઉમેદ પટેલ, ડો. મુકેશ પટેલની રાહબરીમાં મેડિકલ કોલેજ ખાતે એકઠા થઇ સુત્રોચ્ચાર કરી પોતાની માંગણીઓ પુરી કરવા રજૂઆત કરી હતી. જો કે આ વખતે કોવિડ-૧૯ની ફરજમાં સામેલ એક પણ તબિબી શિક્ષક સામેલ થયા નહોતાં. તેઓ પોતાની ફરજ પર જ હાજર હતાં.

(4:01 pm IST)