રાજકોટ
News of Saturday, 6th August 2022

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા રાજકારણમાં સક્રિય થશે : ગાંધીનગર ખાતે મહાસંમેલન યોજી શક્તિપ્રદર્શન કરશે !

રાજકોટમાં પત્રકાર પરિષદ બોલાવી પેપર લીક મુદે સરકાર પર આકરા પ્રહાર કર્યા : કૌભાંડ મામલે કોઇ પગલાં લેવામાં ન આવ્યાનો આક્ષેપ લગાવ્યો

રાજકોટ તા.05 : રાજકોટ શહેરમાં આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. જ્યાં તેમણે સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, પરીક્ષાઓ રદ્દ કરી મળતિયાને બચાવી લીધા છે. હવે AAPમાં સક્રિય થઈશ અને ઓક્ટોબરમાં યુવા સંમેલન યોજાશે. આ તકે યુવરાજસિંહે અગાઉ થયેલા પેપર લીક મામલે આજે મહિનાઓ બાદ પણ કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાનો આરોપ લગાવ્યો હતો.

હેડ ક્લાર્કના પેપરમાં અમે પુરાવા આપ્યા હતા, તે સમયે ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, એક મહિનામાં કડક કાર્યવાહી કરશું, પરંતુ 7 મહિના વીતી ગયા હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. સરકારમાં અમે સબ ઓડિટર, ઓડિટર સહિતની પરીક્ષાના પેપર લીક બાબતે અમે તમામ પુરાવા જાહેર કર્યા, પરંતુ આજદિન સુધીમાં કોઈ પગલા લેવાયા નથી. ઊર્જા વિભાગની ભરતીમાં પણ પરિવારવાદ અને ઓળખાણવાદ ચાલ્યો જેના પુરાવા અમે તંત્રને આપ્યા છે. વર્તમાન શાસકો સામે અમે રાજકારણમાં આવીને અવાજ ઉઠાવીશું.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જાહેરાત કરતા કહ્યું હતું કે ગાંધીનગર ખાતે 15 ઓકટોબરની આસપાસ યુવા મહાસંમેલન બોલાવવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાશે. યુવરાજસિંહ જાડેજા એ આગામી વિધાનસભા ચૂંટણી લડવાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો પાર્ટી ટિકિટ આપશે તો ચોક્કસ ચૂંટણી લડીશ. પોતે ચૂંટણી લડવા સક્ષમ હોવાનો દાવો પણ કર્યો હતો. તેઓએ આગામી સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના પ્રશ્નો ઉઠાવવાની વાત કરી હતી.

નોંધનીય છે કે યુવરાજસિંહ જાડેજા આમ આદમી પાર્ટીમાં અગાઉથી જ જોડાયેલા છે. જો કે તેમણે વિદ્યાર્થીઓના પ્રશ્ન બિન રાજકીય રીતે ઉઠાવ્યા છે. પરંતુ હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિદ્યાર્થી નેતા ગણાતા યુવરાજસિંહ જાડેજા અગામી સમયમાં સક્રિય થશે. ત્યારે હવે આમ આદમી પાર્ટી તેને ટિકિટ આપશે કે નહીં અને જો આપશે તો કઈ બેઠક પરથી યુવરાજસિંહ જાડેજા ચૂંટણી લડશે તેના પર સૌની નજર રહેશે.

(8:55 pm IST)