ઘરખર્ચના પૈસા માગતા નીરૂબેન કટારાને પતિ દિનેશે માર માર્યો
મહિલાએ યુનિવર્સિટી પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી
રાજકોટ તા.૬: દોઢ સો ફુટ રોડ પર સ્ટલીંગ હોસ્પિટલની પાછળ ધરમનગર આવાસ યોજના કવાર્ટરમાં ઘરખર્ચના પૈસા માગતા મહિલાને તેના પતિને લાકડી વડે માર મારતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ દાહોદના ચંદલાગામ હાલ રાજકોટ સ્ટર્લીગ હોસ્પિટલની પાછળ ધરમનગર આવાસ યોજના કવાર્ટર બ્લોક નં ૧૨ કવાર્ટર નં ૩૫૬માં રહેતા નીરૂબેન દિનેશભાઇ કટારા (ઉ.વ.૪૦)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં પતિ દિનેશ કાળુભાઇ કટારા સામે ફરિયાદ નોંધાવી છે. નીરૂબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે પરિવાર સાથે છેલ્લા આઠ વર્ષથી રહે છે. પતિ આર.એમ.સી. માં ડ્રાઇવીંગ કરે છે. ગઇકાલે બપોરે પોતે ઘરે હતા ત્યારે પતિ બહારથી આવતા પોતે તેની પાસે ઘરખર્ચના પૈસા માગતા પતિએ ઉશ્કેરાઇ જઇ ગાળો દઇ ઝાપટ મારી પોતાની સાથે ઝપાઝપી કરી પાટુમારતા પોતાને ડાબા પડખાના ભાગે ઇજા થઇ હતી પુત્ર વચ્ચે પડતા તેને પણ લાકડી વડે માર માર્યો હતો. દેકારો બોલતા તે ભાગી ગયો હતો. બાદ પોતાને પડખામાં દુઃખાવો થતા ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા આ અંગે હેડ કોન્સ એમ.એન.કણજારીયાએ તપાસ હાથધરી હતી.