રાજકોટ
News of Thursday, 6th October 2022

મિતાણા પાસે કાર ઝાડમાં અથડાતાં મોરબીના બે મિત્રોના મોતઃ બે ઘવાયા

રાજકોટથી ગરબી જોઇને પરત જતી વખતે બનાવઃ કાર ચાલક સોરઠીયા પ્રજાપતિ યુવાન કારમાં જ ફસાઇ જતાં પતરા ચીરીને મૃતદેહ બહાર કઢાયોઃ કોળી યુવાને રાજકોટમાં દમ તોડયો : ઘટના સ્‍થળે જ મોતને ભેટેલો જય ચાવડા મુળ ભાવનગરનો વતનીઃ માતા-પિતાનો એકનો એક દિકરો હતોઃ થોડા મહિના પહેલા જ પરિવાર સાથે મોરબી રહેવા આવ્‍યો હતોઃ બીજો મૃતક ત્રાજપરનો રોહિત અદગામા બે બહેનનો એકનો એક ભાઇ અને વિધવા માતાનો આધાર હતો : રોહિત સવાર સુધી ઘરે ન આવ્‍યો હોઇ માતાએ ફોન કરતાં મિત્રએ રિસીવ કર્યો ને અકસ્‍માતની ખબર પડી

મિતાણાના બ્રિજ પાસે વહેલી સવારે સર્જાયેલા અકસ્‍માતની તસ્‍વીરોમાં વડલાના ઝાડમાં અથડાયેલી કાર, તેમાં ફસાયેલો પ્રજાપતિ યુવાનનો નિષ્‍પ્રાણ દેહ તથા અન્‍ય તસ્‍વીરોમાં મૃતક પ્રજાપતિ યુવાન જય ચાવડાનો ફાઇલ ફોટો, બીજા મૃતક કોળી યુવાન રોહિત અદગામાનો નિષ્‍પ્રાણ દેહ અને અન્‍ય બે તસ્‍વીરમાં ઘાયલ થયેલા બે મિત્રો રૂપેશ ધોળકીયા અને જય અગેચણીયા જોઇ શકાય છે (૧૪.૫)

રાજકોટ તા. ૫: ટંકારાના મિતાણા નજીક વહેલી પરોઢે સ્‍વીફટ કાર વડલાના ઝાડમાં ધડાકાભેર અથડાતાં ચાલક મુળ ભાવનગરના હાલ મોરબી રહેતાં સોરઠીયા પ્રજાપતિ યુવાનનું ઘટના સ્‍થળે જ અને તેની સાથેના મિત્ર કોળી યુવાનનું રાજકોટ હોસ્‍પિટલમાં મોત નિપજ્‍યું હતું. જ્‍યારે સાથેના અન્‍ય બે મિત્રોનો ઇજા સાથે બચાવ  થયો હતો. આ ચારેય મિત્રો ગત રાતે રાજકોટ ગરબી જોવા આવ્‍યા હતાં અને બાદમાં પરત મોરબી જવા નીકળ્‍યા ત્‍યારે આ જીવલેણ અકસ્‍માત નડયો હતો.

જાણવા મળ્‍યા મુજબ મોરબીમાં સામા કાંઠે રહેતો અને ટાઇલ્‍સની ફેક્‍ટરીમાં નોકરી કરતો મુળ ભાવનગરનો સોરઠીયા પ્રજાપતિ યુવાન જય જીતેન્‍દ્રભાઇ ચાવડા (ઉ.વ.૨૨) ગત રાતે પોતાની સ્‍વીફટ કાર નં. જીજે૦૩ઇઆર-૪૨૦૦માં બીજા ત્રણ મિત્રો મોરબી ત્રાજપરના રોહિત ડાયાભાઇ અદગામા (કોળી) (ઉ.વ.૧૭), જય ગોપાલભાઇ અગેચણીયા (કોળી) (ઉ.વ.૧૯) અને રૂપેશ મનુભાઇ ધોળકીયા (ઉ.વ.૧૮)ને લઇને રાજકોટ ગરબી જોવા આવ્‍યો હતો. મોડી રાત સુધી ચારેય મિત્રોએ અલગ અલગ ગરબીઓ જોઇ હતી અને બાદમાં નાસ્‍તો ભોજન કર્યા પછી વહેલી પરોઢે મોરબી પરત જવા રવાના થયા હતાં.

એ દરમિયાન મિતાણાના બ્રીજ પાસે કાર પહોંચી ત્‍યારે કોઇપણ કારણોસર ચાલક જય ચાવડાએ સ્‍ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં કે પછી કંઇપણ રસ્‍તા આડે આવી જતાં કાર બેકાબૂ બની ગઇ હતી અને વડલાના ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં બૂકડો બોલી ગયો હતો. અકસ્‍માતને પગલે લોકો ભેગા થઇ ગયા હતાં અને ૧૦૮ પહોંચી ગઇ હતી. ટંકારાના હેડકોન્‍સ. બ્‍લોચભાઇ સહિતનો સ્‍ટાફ પણ પહોંચ્‍યો હતો. કાર ચાલક જય ચાવડા ડ્રાઇવીંગ સીટ પાસે જ ફસાઇ ગયો હોઇ તેનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું.

જ્‍યારે ત્રણ ઘાયલ મિત્રો રોહિત અદગામા, જય અગેચણીયા અને રૂપેશ ધોળકીયાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતાં. પરંતુ અહિ રોહિત અદગામાએ દમ તોડી દેતાં મૃત્‍યુઆંક બે થયો હતો. હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયાએ ટંકારા પોલીસને જાણ કરી હતી. જય ચાવડાનો મૃતદેહ પોસ્‍ટ મોર્ટમ માટે ટંકારા હોસ્‍પિટલમાં લઇ જવાયો હતો.

વધુ માહિતી મુજબ કાળનો કોળીયો બનેલો જય ચાવડા મુળ ભાવનગરનો વતની હતો. તે આઠ દસ મહિના પહેલા જ તેના પિતા જીતેન્‍દ્રભાઇ અને માતા ચંપાબેન સાથે મોરબી રહેવા આવ્‍યો હતો અને ટાઇલ્‍સની ફેકટરીમાં નોકરીએ રહ્યો હતો. તેના પિતા પણ કારખાનામાં કામ કરે છે. જયના એક બહેન આફ્રિકા છે. તે માતા-પિતાનો એકનો એક આધારસ્‍તંભ પુત્ર હતો. તેના લગ્ન હજુ થયા નહોતાં.

જ્‍યારે જય સાથે મોતને ભેટેલો મિત્ર રોહિત અદગામા બે બહેનનો એકનો એક મોટો ભાઇ હતો અને વિધવા માતા રૂપલબેનનો એકનો એક આધારસ્‍તંભ હતો. તે હાલમાં છુટક કામધંધો કરતો હતો. રૂપલબેનને પુત્ર રોહિત પોતે મિત્રો સાથે રાજકોટ ગરબી જોવા જવાનું કહીને નીકળ્‍યો હતો. વહેલી સવાર સુધી તે ઘરે ન આવતાં સવારે ફોન કરતાં ફોન રોહિતના મિત્રએ રિસીવ કર્યો હતો અને રોહિતને અકસ્‍માત નડયો હોવાનું કહેતાં તેઓ રાજકોટ આવ્‍યા ત્‍યારે દિકરાનો મૃતદેહ જોવા મળ્‍યો હતો.

(10:55 am IST)