રાજકોટ
News of Saturday, 6th November 2021

દિવાળીની રાતે શહેરમાં ફટાકડાને કારણે આગના ૩૩ બનાવોઃ ફાયર બ્રિગેડની ટીમો રાતભર દોડતી રહી

લવાસની ભારત બેકરીમાં આગ લાગીઃ ગાંધીગ્રામમાં બાઇક સળગ્યું: ખુલ્લા વંડાઓમાં ઠેકઠેકાણે ભડકા થયા : ત્રણ દિવસમાં આગના કુલ ૪૫ બનાવો બન્યા

જકોટઃ શહેરમાં દિવાળીની રાતે ફટાકડાને કારણે આગ લાગવાના ૩૩ બનાવો બનતાં રાતભર ફાયર બ્રિગેડની ટીમો દોડતી રહી હતી અને બંબાના સાયરન ગુંજતા રહ્યા હતાં. ફાયર બ્રિગેડ સુત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસમાં ફટાફડાને કારણે આગ લાગવાના ૪૫ બનાવો બન્યા છે. જેમાં ગત રાતે એટલે કે દિવાળીની રાતે અલગ અલગ ૩૩ સ્થળે આગ ભભુકી ઉઠી હતી. ગોકુલનગરમાં બજરંગ ઓટો નામના શેડના ઉપરના ભાગે પુઠાના જથ્થામાં આગ લાગી હતી., ગવલીવાડ મેઇન રોડ પર મકાનમાં આગ લાગતાં લોકોએ જ આગ બુઝાવી નાંખી હતી. થોરાળા પોલીસ સ્ટેશન પાસે વંડામાં આગ લાગી હતી. વૃંદાવન સોસાયટીમાં બંધ  મકાનમાં આગ લાગી હતી. વિજય પ્લોટ-૧૬માં સાધાના ભેળ પાસે ખુલ્લા વંડામાં આગ લાગી હતી. પરાબજાર બાપુ ફુટવેર પાસે આગ લાગતાં ફાયર બ્રિગેડે પહોંચી આગ ઠારી હતી. સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એવન ઘરઘંટી પાસે ખુલ્લા વંડામાં આગ લાગી હતી. કાલાવડ રોડ નિર્મળા રોડ ફાયર બ્રિગેડ સ્ટેશનમાં લાકડા સળગતાં ત્યાં જ હાજર બંબાએ આગ ઓલવી હતી. ભીલવાસ ચોક ભારત બેકરીમાં આગ લાગતાં ફાયર ફાઇટરો દોડી ગયા હતાં. સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. બાજુમાં પેટ્રોલ પંપ અને મકાન હોઇ તેને બચાવી લેવાયા હતાં. બેકરીના મેનેજર હિતેષભાઇ બુધ્ધદેવના કહેવા મુજબ આગથી કોઇ જાનહાની થઇ નથી. ફટાકડાનું રોકેટ બીજા માળે આવતાં આગ લાગ્યાનું તારણ નીકળ્યું હતુ઼.

ચુનારાવાડ ચોકમાં મંદિર પાસે વંડામાં આગ લાગી હતી. ગાંધીગ્રામ એસ. કે. ચોક નાણાવટી ચોક પાસે એક બાઇક સળગતાં ફાયર બ્રિગેડ ટીમે આગ બુઝાવી હતી. બીગ બાઝાર પાછળ ભિમાણી સ્કૂલ પાછળ ખુલ્લા વંડામાં આગ લાગી હતી. એક કલાક પાણીનો મારો ચલાવી આગ બુઝાવાઇ હતી. નાણાવટી ચોકમાં વંડામાં આગ લાગી હતી. રજપુતપરા-૬માં વિશ્વાસ સેલ્સ એજન્સીમાં આગ લાગતાં ફાયર ફાઇટરોએ પહાોંચી આગ કાબુમાં લીધી હતી. દિવો કર્યો હોઇ તે પડી જતાં આગ લાગ્યાનું ઘટના સ્થળે હાજર રોહિતભાઇ કારીયાએ કહ્યું હતું. રામાપીર ચોકડીએ અવંતિકા પાર્ક સામે વંડામાં આગ લાગી હતી. પી. ડી. માલવીયા ફાટક પાસે વંડામાં આગ લાગી હતી. જસરાજનગર-૬માં પણ વંડામાં આગ લાગતાં ફાયર બ્રિગેડે બુઝાવી હતી. અક્ષરમાર્ગ સતનામ હોલ પાછળ વંડામાં આગ લાગી હતી. યુનિવર્સિટીના ગેઇટ પાસે નિલ સીટી કલબ પાછળ ખુલ્લા વંડામાં આગ લાગી હતી.  આમ રાતભર ફાયર ફાયટરો સાથે ફાયર બ્રિગેડના જવાનો અધિકારીઓની રાહબરીમાં દોડતાં રહ્યા હતાં.

(10:48 am IST)