રાજકોટ
News of Tuesday, 6th December 2022

અહિંથી જતા રહો નહિંતર હાથ - પગ ભાંગી નાખીશ...

પીજીવીસીએલના લાઇનમેન પર હુમલો કરી ફરજમાં રૂકાવટ : જાગનાથ પ્‍લોટના શિવાલય એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૩૦ર માં રહેતાં પુષ્‍પરાજસિંહ જાડેજા વિરૂદ્ધ ગુનોઃ લાઇટ બીલ ભર્યું ન હોઇ કનેકશન કાપવાની કાર્યવાહી વખતે ડખ્‍ખો

રાજકોટ તા. ૬: જાગનાથ પ્‍લોટમાં આવેલા શિવાલય એપાર્ટમેન્‍ટમાં ફલેટના લાઇટનું બીલ બાકી હોઇ તેથી કનેકશન ડિસકનેકટ કરવા ગયેલા પીજીવીસીએલનાં લાઇનમેન સાથે માથાકુટ કરી ફલેટ ધારકે હાથ-પગ ભાંગી નાંખવાની ધમકી આપી ફડાકો મારી લાકડી ફટકારી ફરજમાં રૂકાવટ કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૈયા રોડ આમ્રપાલી સીનેમા પાસે આવેલા ધરમનગર આર.એમ.સી. કવાર્ટર બ્‍લોક નં. રપ કવાર્ટર નં. ૭૩૯ માં રહેતા પ્રવીણભાઇ કાળાભાઇ ગરાસીયા એ પ્ર.નગર પોલીસ મથકમાં જાગનાથ પ્‍લોટ શેરી નં. ૪ માં શિવાલય એપાર્ટમેન્‍ટમાં ફલેટ નં. ૩૦ર માં રહેતા પુષ્‍પરાજસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. પ્રવિણભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતે પીજીવીસીએલ મહિલા કોલેજ સબ ડીવીઝનમાં લાઇનમેન તરીકે ફરજ બજાવે છે, ગઇકાલે પોતે પોતાની ફરજ પર હતા ત્‍યારે ડિસકનેકટ બીલની રકમ બાકી હોવાથી પોતે તથા આસીસ્‍ટન્‍ટ લાઇનમેન નવનીતભાઇ ઉમીયાશંકરભાઇ દવે બંને સરકારી ગાડી લઇને જાગનાથ પ્‍લોટ શેરી નં. ૪ શિવાલય એપાર્ટમેન્‍ટમાં ગયા હતા ત્‍યાં ફલેટ નં. ૩૦ર નું બીલ બાકી હોઇ, ફલેટના ચોકીદારને ફલેટનું લાઇટનું કનેકશન કાપવા માટે જણાવતા ચોકીદારે ફલેટ ધારક પુષ્‍પરાજસિંહ જાડેજાને ફોન કરી જાણ કરતા પુષ્‍પરાજસિંહ નીચે આવી પોતાને ગાળો આપી માથાકુટ કરી પોતાને લાફો મારી ડબા હાથ અને પગમાં લાકડી ફટકારી હુમલો કર્યો હતો અને કહેલ કે ‘તમે અહીંથી જતા રહો નહિંતર હાથ-પગ ભાંગી નાખીશ' તેમ ધમકી આપતા પોતે તથા આસી. લાઇનમેન સરકારી ગાડી પાસે ઉભા રહી ગયા હતા. બાદ પોતે ડેપ્‍યુટી નાયબ ઇજનેર ડી. પી. ગઢવીને ફોન કરતા તે તથા જુનીયર એન્‍જીનીયર જે. એન. પ્રજાપતી સહિત જાગનાથ પ્‍લોટમાં એપાર્ટમેન્‍ટ પાસે પહોંચી ગયા હતા. બાદ ફલેટ ધારક પુષ્‍પરાજસિંહને સમજાવતા તે કહેવા લાગેલ કે ‘તમારાથી જે થાય તે કરી લેજો મારી ડેલીએ પણ મુકતા નહિં' તેમ જણાવ્‍યું હતું. પોતાને ડાબા હાથની આંગળીઓ પર ઇજા થઇ હોઇ તેથી પોતાને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે પ્ર.નગર પોલીસે શિવાલય એપાર્ટમેન્‍ટના ફલેટ ધારક પુષ્‍પરાજસિંહ વિરૂધ્‍ધ ફરજમાં રૂકાવટની કલમ હેઠળ ગુનો દાખલ કરી પી.એસ.આઇ. કે. એ. ભગોરાએ તપાસ હાથ ધરી છે.

(4:24 pm IST)