રાજકોટ
News of Tuesday, 6th December 2022

ઇલેક્‍ટ્રીક બાઇકની ડીલરશીપ આપવાના નામે ૨૬.૬૮ લાખની ઠગાઇઃ ત્રણ ગઠીયાને બિહારથી ઝડપી લેવાયા

શહેરના મહેશભાઇ કોટડીયાએ ફેસબૂકમાં એજન્‍સી લેવી છે તેવી પોસ્‍ટ મુકી હોઇ તેનો કંપનીના નામે સંપર્ક કરી પૈસા ભરવાનું કહી કટકે કટકે લાખો રૂપિયા ઓનલાઇન ઉસેડી લીધા'તાઃ અન્‍ય કોઇ ભોગ બન્‍યું હોય તો સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવો : એસીપી સાયબર ક્રાઇમ વિશાલ રબારીની રાહબરીમાં પીઆઇ જી. બી. ડોડીયા અને ટીમે બિહારમાં દસ દિવસ રોકાઇ ૫૦૦થી વધુ સીસીટીવી કેમેરા, એટીએમના ફૂટેજો ચેક કરી અનિલ, શેતેન્‍દ્ર અને અવિનાશને દબોચ્‍યા

રાજકોટ તા. ૬: ઓનલાઇન ફ્રોડના અનેક કિસ્‍સાઓ રોજબરોજ બનતાં રહે છે. નવા નવા તુક્કા અજમાવી ગઠીયાઓ લોકોને છેતરતાં રહે છે. દરમિયાન શહેરના એક નાગરિક સાથે ઇલેક્‍ટ્રીક બાઇકની એજન્‍સી આપવાના નામે રૂા. ૨૬,૬૮,૧૭૪ની ઠગાઇ થઇ હતી. આ ગુનાનો ભેદ શહેર સાયબર ક્રાઇમની ટીમે ઉકેલી છેક બિહાર પહોંચી ત્‍યાં દસ દિવસ રોકાણ કરી પાંચસોથી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસી ત્રણ ગઠીયાઓને દબોચી લીધા છે.

શહેરના મહેશભાઇ ઉકાભાઇ કોટડીયાને એથર ઇલેક્‍ટ્રીક બાઇકની એજન્‍સી લેવી હોઇ જેથી તેણે આ અંગેની એક પોસ્‍ટ પોતાના ફેસબૂક એકાઉન્‍ટમાં મુકી હતી. જેના આધારે તેનો એક શખ્‍સે ફોન નંબર પર સંપર્ક કરી પોતે એથર ઇલેક્‍ટ્રીક કંપનીમાંથી બોલે છે તેવી વાત કરી ડીલરશીપ લેવી હોય તો કંપનીના મેઇલ એડ્રેસ પર ડોક્‍યુમેન્‍ટ મોકલી આપવા વાત કરી હતી.  મહેશભાઇને એજન્‍સી લેવી હોઇ જેથી ફોન કરનારે જે રીતે સુચના આપી એ રીતે  ડોક્‍યુમેન્‍ટ મોકલ્‍યા હતાં. ત્‍યાર બાદ તેની સાથે કંપનીના મેનેજરના નામે બીજા ગઠીયાએ વાત કરી કટકે કટકે અલગ અલગ બેંક એકાઉન્‍ટમાં નાણા ભરપાઇ કરવાનું કહેતાં મહેશભાઇએ કુલ રૂા. ૨૬,૬૮,૧૭૪ ભરપાઇ કરી દીધા હતાં.

પરંતુ આટલી રકમ ભરપાઇ કર્યા પછી પણ ઇલેક્‍ટ્રીક બાઇકની એજન્‍સીનો કોઇ કન્‍ફર્મેશન લેટર ન મળતાં શંકા ઉપજતાં તપાસ કરતાં ચીટીંગ થઇ ગયાની ખબર પડતાં તેણે સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરતાં તપાસ શરૂ થઇ છે. પોલીસે ટેકનીકલ એનાસિસીસ કર્યુ હતું અને તેના આધારે પગેરૂ બિહાર તરફનું નીકળતાં પીઆઇ જી. બી. ડોડીયા અને ટીમ ઉચ્‍ચ અધિકારીઓની સુચનાથી રવાના થઇ હતી. જ્‍યાં બિહારના કુસુંભા અને શેખપુરા વિસ્‍તારમાં પહોંચી ત્‍યાંના લગભગ ૫૦૦ જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતાં.

આ ઉપરાંત જેટલા એટીએમ હતાં તેના ફૂટેજ પણ ચેક કર્યા હતાં અને બિહારના અલગ અલગ ગામડાઓમાં તપાસ કરી છેલ્લે ત્રણ ગઠીયા અનિલ ધનેશ્વર બીંદે (ઉ.૩૦-રહે. કુસુંભા બેલદારી થાના શેખપુરા બિહાર), શેતેન્‍દ્રકુમાર બીરો બીંદે (ઉ.૨૪-રહે. કુસુંભા બિહાર) અને અવિનાશકુમાર ઉમા મહતો (ઉ.૨૨-રહે. માલદા થાના અંચલ-બરબીઘા જી. શેખપુરા બિહાર)ને આ ઠગાઇના ગુનામાં પકડી લઇ રકમ રિકવર કરવા તજવીજ કરી હતી.

અનિલ છુટક મજૂરી કરે છે અને શેતેન્‍દ્ર અભ્‍યાસ કરે છે તેમજ અવિનાશ છુટક વેપાર કરે છે. આ ત્રણેયએ સાથે મળી મહેશભાઇને ઇલેક્‍ટ્રીક બાઇકની એજન્‍સી આપવાના નામે તેની સાથે કંપનીના કર્મચારી, મેનેજરના નામે વાત કરી હતી. અનિલના આધાર કાર્ડ પાન કાર્ડ શેતેન્‍દ્રએ મેળવી તેનું બેંક એકાઉન્‍ટ ખોલાવ્‍યું હતું અને અવિનાશે એજન્‍સી આપવના નામે વાત કરી વેપારી પાસે રકમ મંગાવી હતી.  બાઇકની એજન્‍સીનું ફેક આઇડી ઉભુ કરી ઠગાઇ કરી હતી. આ રીતે અન્‍ય કોઇ ભોગ બન્‍યું હોય તો સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનર સોૈરભ તોલંબીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી સાયબર ક્રાઇમ વિશાલ એમ. રબારીની રાહબરીમાં પીઆઇ જી. બી. ડોડીયા, એએસઆઇ જે. કે. જાડેજા, હેડકોન્‍સ. સંજયભાઇ ઠાકર, પ્રદિપભાઇ કોટડ અને ક્રિપાલસિંહ ચુડાસમાએ આ કામગીરી કરી હતી.

(3:54 pm IST)