રાજકોટ
News of Tuesday, 6th December 2022

કોરોના કવચ પોલીસીની કલેઇમની રકમ વ્‍યાજ સહિત ચુકવવા વીમા કંપનીને આદેશ

રાજકોટ તા.૬: કોરોના કવચ પોલીસીની કલેઇમની વ્‍યાજ સહિતની રકમ ચુકવી આપવાનો વીમા કંપનીનો આદેશ રાજકોટ જીલ્‍લા ગ્રાહક ફોરમે હુકમ કર્યો હતો.

 આ કેસમાં ટુંકમાં હકીકત એવી છેકે, ફરિયાદી શ્રીમતી બ્રિન્‍દા દીપકભાઇ કકકડએ કોરોના(કોવીડ-૧૯) મહામારીના સમયમાં બજાજ એલ્‍યાન્‍ડ જનરલ ઇન્‍સ્‍યોરન્‍સ કંપની લી.દ્વારા માન્‍ય એજન્‍ટ પાસેથી કોરોના કવચ પોલીસી લીધેલ. ત્‍યારબાદ ફરિયાદી કોવીડ-૧૯ પોઝીટીવ આવતા ફરિયાદી દ્વારા ડોકટરશ્રીના અભિપ્રાય મુજબના તમામ રીપોર્ટસ, સીટી સ્‍કેન વિગેરે સરકાર માન્‍ય લેબોરેટરીના અને સરકાર માન્‍ય હોસ્‍પિટલમાં કોવીડ-૧૯ની સારવાર, દવા વિગેરે કરવામાં આવેલ

ત્‍યારબાદ ફરિયાદીએ ઉપરોકત સારવારના રીપોર્ટસ, હોસ્‍પિટલ, દવા વિગેરેના તમામ બીલો રજુ કરી ઉપરોકત વીમા કંપની સમક્ષ કુલ રૂા.૫૫,૩૨૧/- અંકે રૂપિયા પંચાવન હજાર ત્રણસો એકવીસ પુરાનો કલેઇમ દાખલ કરવામાં આવેલ. જેમાં વીમા કંપની દ્વારા ફકત કુલ રૂા.૩૫,૬૩૧/- અંકે રૂપિયા પાંત્રીસ હજાર છસો એકત્રીસ પુરાનો ખર્ચ એપ્રુવ્‍ડ કરવામાં આવેલ અને એટલી જ રકમ ફરિયાદીએ ચુકવવામાં આવેલ અને મનસ્‍વી રીતે નિયમ વિરૂધ્‍ધ રૂા.૧૯,૬૯૦/- અંકે રૂપિયા ઓગણીસ હજાર છસો નેવું પુરા એપ્રુવ્‍ડ ન કરી, ફરિયાદીને ચુકવવામાંં આવેલ નહીં.

આથી ફરિયાદીએ રાજકોટ ગ્રાહક ફોરમમાં વીમા કંપની વિરુધ્‍ધ ફરિયાદ દાખલ કરેલ. જે ફરિયાદના કામે ગ્રાહક ફોરમે ફરિયાદીના એડવોકેટશ્રીની રજૂઆતો, દલીલો તથા રજુ થયેલ પુરાવા ધ્‍યાને લઇ ઉપરોકત વીમા કંપનીને વીમા કલેઇમની બાકી રહેતી રકમ રૂા.૧૯,૬૯૦/- અંકે રૂપિયા ઓગણીસ હજાર છસો નેવું પુરા ફરીયાદ દાખલ કર્યાના તારીખથી ૯% પ્રતિ વર્ષ વ્‍યાજ સહિત ચુકવવા તથા ફરિયાદ ખર્ચ પેટે રૂા.૨,૦૦૦/- ફરિયાદીને ચુકવી આપવાનો હુકમ ફરમાવેલ છે.આ કામમાં ફરિયાદી તરફે એડવોકેટ શ્રી સમીર એમ.ખીરા, ભાર્ગવ ડી.બોડા, રાહુલ બી.મકવાણા, વિવેક એન.સાતા તથા અનિલ ટીમાણીયા વિગેરે રોકાયેલા હતા

(4:22 pm IST)