રાજકોટ
News of Tuesday, 6th December 2022

સિવિલ હોસ્‍પિટલમાં કેસબારી સહિતના કોમ્‍પ્‍યુટરનું સર્વર ઠપ્‍પઃ દર્દીઓ અને કર્મચારીઓને ભારે હાલાકી

ચાર પાંચ દિવસથી બંધ પડેલુ સર્વર અમદાવાદ રિપેરીંગમાં મોકલાયું હોઇ કર્મચારીઓને હાથેથી લખવા પડે છે કેસ

રાજકોટઃ શહેરની પીડીયુ સિવિલ હોસ્‍પિટલમાં રાજકોટ શહેર ઉપરાંત સોૈરાષ્‍ટ્રભરમાંથી દર્દીઓ રોજબરોજ આવતાં હોય છે. ત્‍યારે આજે કેસબારી સહિતના કોમ્‍પ્‍યુટર વિભાગમાં સર્વર ડાઉન થઇ જતાં હાલાકી સર્જાઇ હતી. દર્દીઓના ધસારા વચ્‍ચે કેસબારીના કર્મચારીઓને હાથેથી કેસ લખીને કાઢવા પડયા હતાં. સિવિલ હોસ્‍પિટલમાં અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્‍ધ છે આ કારણે અહિ મોટી સંખ્‍યામાં દર્દીઓ નિદાન સારવાર માટે આવતાં રહે છે. સુપર સ્‍પેશિયાલિટી વિભાગ પણ શરૂ થઇ ગયો હોઇ તેનો લાભ પણ દર્દીઓને મળી રહ્યો છે. પરંતુ અવાર-નવાર ટેકનીકલ કારણોસર કે પછી બીજા કારણોસર કોમ્‍પ્‍યુટર સર્વર ઠપ્‍પ થઇ જતાં કેસબારી સહિતના વિભાગોમાં તકલીફ ઉભી થાય છે. રોજના આઠસોથી હજાર કે તેનાથી વધુ કેસ નીકળતાં હોય છે અને આ બધુ કામ કોમ્‍પ્‍યુટરાઇઝ થતું હોય છે. પણ હાલમાં છેલ્લા ચાર પાંચ દિવસથી સર્વર ડાઉન થઇ જતાં કોમ્‍પ્‍યુટર દ્વારા કેસ કાઢવાની કામગીરી ઠપ્‍પ થઇ ગઇ છે. આ કારણે દર્દીઓનો અને કર્મચારીઓ મોટો સમય વેડફાઇ રહ્યાની ફરિયાદો ઉઠી હતી. દર્દીઓના ધસકાને પહોંચી વળવા સુવિધા અને ટેક્‍નોલોજીમાં વધારો કરવાની વાતો અને નવી કેસબારીઓ ખોલવાની વાતો વચ્‍ચે હાલમાં જે સુવિધા છે તેમાં છાસવારે સર્વર ઠપ્‍પ થઇ જવાની તકલીફોનું નિવારણ ન થઇ શકતાં દર્દીઓ સાથે કર્મચારીઓ પણ હેરાન થઇ રહ્યા છે. જાણવા મળ્‍યા મુજબ મુખ્‍ય સર્વરને રિપેરીંગ માટે અમદાવાદ મોકલવામાં આવ્‍યું હોઇ ત્‍યાંથી હજુ ક્‍યારે આવશે તે નક્કી ન હોઇ હજુ દર્દીઓ સાથે કર્મચારીઓને હેરાન થવું પડે તેમ હોવાનું જણાય છે.

(4:01 pm IST)