રાજકોટ
News of Friday, 7th May 2021

સિનર્જી કોવીડ હોસ્પિટલમાં કોરોનાના દર્દને ભૂલી દર્દી - મેડીકલ સ્ટાફ સંગીત સુરાવલીમાં ઝુમ્યા

ડો. કપીલ રાઠોડે પિયાનો પર અનેક મોટીવેશનલ ગીતો રજૂ કર્યા : નેગેટીવિટી દૂર કરવા સંગીતની પોઝિટિવ ઉર્જા : ડો. જયેશ ડોબરીયા, ડો. વિશાલ પોપટાણી, ડો. રાજન જગડ, ડો. કિંજલ ભટ્ટ, ડો. નરશી વેકરીયા સહિતના ઉપસ્થિત

રાજકોટ તા. ૭ : સમગ્ર દેશ આજે કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યો છે. દરરોજ કોરોના સંક્રમીતોની સંખ્યા ખૂબ વધી રહી છે. મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. દીનપ્રતિદિન કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે રાજકોટ સૌરાષ્ટ્રની પ્રથમ કોવીડ સમર્પીત હોસ્પિટલ શરૂ કરનાર સિનર્જી ગ્રુપના નિષ્ણાંત - ટોચના તબીબોએ હવે દર્દીઓ અને પેરામેડીકલ સ્ટાફના જુસ્સાને વધારવા પોઝિટિવી વધારવા સંગીતનો સથવારો લીધો છે.

રાજકોટની સિનર્જી ગ્રુપ સંચાલીત સૌરાષ્ટ્ર વેલવિશ ફાઉન્ડેશન દ્વારા યુનિવર્સિટી રોડ ઉપર કવિ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ ખાતે કોરોના દર્દીઓ અને મેડીકલ - પેરામેડીકલ સ્ટાફે સંગીતની સુરાવલી સંગ હળવા ફૂલ થયા હતા.

હજારો કોરોના દર્દીઓની સફળ સારવાર કરનાર સિનર્જી હોસ્પિટલના ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો. જયેશ ડોબરીયા અને ડો. મિલાપ મશરૂ તેમજ ડો. કિંજલ ભટ્ટ, ડો. વિશાલ પોપટાણી, ડો. રાજન જગડ, ડો. નરશી વેકરીયા સહિતના તબીબો દર્દીઓની સારવાર માટે કાર્યરત છે.

ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો. જયેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે, હાલ બધી બાજુ નેગેટીવીટી જોવા મળે છે. હેલ્થ ફાઇનાન્સ, સોશ્યલ સહિત તમામ ક્ષેત્રો આ કોરોના મહામારી સામે લાંબા સમયથી ઝઝુમી રહ્યા છે ત્યારે સતત નેગેટીવિટીને કારણે શરીરમાં રોગપ્રતિકારક શકિત ઉપર પણ અસર કરે છે ત્યારે નેગેટીવિટી સામે પોઝિટિવીટી વધારવાના ભાગરૂપે સંગીતથી મન પ્રફુલ્લીત અને પોઝિટિવીટી લાવવા અને નેગેટીવીટી દુર કરવા અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ ખાતે ડેડીકેટ સિનર્જી કોવીડ હોસ્પિટલ ખાતે એક સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. અંધારામાં પણ આશાના કિરણો ચારે બાજુ પ્રકાશિત થાય તે નેમ સાથે આવા પ્રેરણાદાયક કાર્યક્રમ કર્યા છે.

સિનર્જી હોસ્પિટલના ડો. કપિલ રાઠોડ કે જે સારા પિયાનો વાદક છે. તેઓએ મોટીવેશન ગીત પિયાનો ઉપર રજૂ કર્યા હતા. સંગીતની મધુર સુરાવલી સંગ દર્દીઓ અને મેડીકલ - પેરામેડીકલ સ્ટાફમાં ઉર્જાનો સંચાર કર્યો હતો. કેટલાક દર્દીઓ આનંદમાં આવીને ઝૂમી ઉઠયા હતા.

આ પ્રસંગે ડો. જયેશ ડોબરીયા, ડો. વિશાલ પોપટાણી, ડો. રાજન જગડ, ડો. કિંજલ ભટ્ટ, ડો. નરશી વેકરીયા સહિતના તબીબો ઉપસ્થિત રહ્યા હતા અને દર્દી, મેડીકલ, પેરામેડીકલ સ્ટાફનો ઉત્સાહ વધાર્યો હતો.

(12:04 pm IST)