રાજકોટ
News of Friday, 7th May 2021

મ્યુકોરમાઈકોસિસની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ બનાવાયો

મનોચિકિત્સક વોર્ડમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ માટે 30 બેડની સુવિધા ઉભી કરાઈ : કોરોનાથી સાજા થયેલા 250 દર્દીઓ પર હાલ નજર

રાજકોટ : રાજ્યમાં એક તરફ કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છે ત્યારે તેમની સાથે એક એવો રોગ પણ છે જે ખુબ જ ભયંકર છે .મ્યુકોરમાઈકોસિસ ,આ બીમારી કોરોના કરતા પણ ખતરનાક સાબિત થઈ રહી છે. તેમાં ધીરે ધીરે હવે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. રાજયના અનેક મોટા શહેરોમાં આ રોગનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે ત્યારે રાજકોટના તંત્રએ આ માટે પાણી પહેલા પાળ બાંધી દીધી છે. રાજકોટ સિવિલમાં કોરોનાથી પણ ખતરનાક મ્યુકોરમાઈકોસિસ માટે આજથી અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મનોચિકિત્સક વોર્ડમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ માટે 30 બેડની સુવિધા ઉભી કરાઈ છે. કોરોનાથી સાજા થયેલા 250 દર્દીઓ પર હાલ નજર રાખવામાં આવી રહી છે, જેથી તેઓ આ ગંભીર બીમારીનો શિકાર ન બને. સિવિલમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના દર્દીઓના સાજા થયા બાદ આ ગંભીર બીમારી જોવા મળી રહી છે. તેના કેસ પણ વધી રહ્યાં છે. તેથી રાજકોટનું તંત્ર સતર્ક બન્યું છે.

(12:12 pm IST)