રાજકોટ
News of Friday, 7th May 2021

પુષ્ટિ સૃષ્ટિની પરમ વંદનીય વિભૂતિ

અખંડ ભૂ-મંડલાચાર્ય શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો આજે ૫૪૪મો પ્રાગટય ઉત્સવ

વૈષ્ણવોમાં આનંદની હેલી : વર્તમાન કોરોના પરિસ્થિતિને કારણે વૈષ્ણવો પોત-પોતાના ઘરે સર્વોત્તમ સ્તોત્ર તથા અષ્ઠાક્ષર મંત્ર પાઠ કરે : આસોપાલવના તોરણ બાંધે

વિશ્વને સેવા - સમર્પણ અને સ્નેહનો સંદેશો આપનાર આચાર્ય શિરોમણી શ્રીમદ્ વલ્લભાચાર્ય - મહાપ્રભુજીનું પ્રાગટય ૧૬મી સદી ભારતમાં મોગલ શાસન દરમિયાન વિક્રમ સંવત ૧૬૩૫ ચૈત્રવદ-૧૧ રોજ મધ્યપ્રદેશ હાલ છત્તીસગઢ રાજ્યના રાયપુર શહેરથી ૪૫ કિલોમીટર દુર વૃક્ષોની ધરાઓથી પરમ શોભાયમાન ચંપારણના ગાઢ જંગલમાં મધ્યાન્હે થયું અને એ જ દિવસે અને સમયે વ્રજમાં શ્રી ગિરિરાજજી પર્વત ઉપર શ્રી કૃષ્ણરૂપ શ્રીનાથજીનું પ્રાગટય થયું.

પ્રાગટય સમયે બાળ વલ્લભની રક્ષા કાજે ચોતરફ અગ્નિ પ્રગટ થઇ હતી. ધર્મશાસ્ત્રમાં શ્રી વલ્લભના પ્રાગટયને શ્રીકૃષ્ણના મુખાવતાર - ઠાકોરજીનું મુખારવિંદ સ્વરૂપ અથવા અગ્નિદેવના અવતાર - અગ્નિ વૈશ્વાનર માનવામાં આવે છે. આ ઐતિહાસિક હકીકતોનું વિસ્તૃત વર્ણન અઢળક સાહિત્ય પ્રકાશનોમાં સુપ્રસિધ્ધ છે.

ભારતની સનાતન સમર્થ અને સમૃધ્ધ સંસ્કૃતિની માટે ધર્મરક્ષાના મુખ્યત્વે ત્રણ પ્રવર્તક બળો છે. અવતાર, સંત અને આચાર્ય. ધર્મ અને સદાચારની રક્ષા કરવા તથા અધર્મનો નાશ કરવા ઇશ્વર સ્વયં દેહધારી બને તે અવતાર ધર્મની વિકૃતિઓ દૂર કરી. સાચા સ્વરૂપને આચરણ દ્વારા પ્રગટ કરનાર અને ઇશ્વર નિષ્ઠાને અડગ બનાવનારને સંત અને ધર્મમાં પ્રાણ પુરનારા તત્વજ્ઞાનને બુધ્ધિગમ્ય બનાવે અને તેને આચરણ દ્વારા ધર્મ સાથે વણી લે તે આચાર્ય.

ભારતના સુપ્રસિધ્ધ આચાર્યો કેવળ વિદ્વાન ધર્મોપદેશકો જ ન હતા. તેમનામાં અપાર ઇશ્વરનિષ્ઠા અને ત્યાગસભર સાધુતા પણ હતી. આ પ્રકારના હિન્દુ આચાર્યોમાં શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, માધવાચાર્ય, નિમ્બાર્કાચાર્ય અને વલ્લભાચાર્યના નામો સૌથી આગળ પડતા છે.

ભારતના મહાન જ્યોતિર્ધર જગદ્ગુરૂશ્રી વલ્લભાચાર્યએ દૈવી જીવોના ઉધ્ધાર કરવાના ઉદ્દેશથી વૈષ્ણવ સંપ્રદાયનું સ્થાપન કર્યું જેને 'પુષ્ટિ સંપ્રદાય' પણ કહેવામાં આવે છે. આ સંપ્રદાયના માધ્યમથી તેમણે વિશ્વને સેવા, સમર્પણ અને સ્નેહનો મહાન સંદેશો આપ્યો છે. સાથોસાથ અનેકવિધ અમૂલ્ય ધર્મગ્રંથો રચી માનવ સૃષ્ટિને કૃતાર્થતાનો સર્વોત્તમ રાહ પણ બનાવ્યો છે.

શ્રી વલ્લભના ચરિત્રના અંશેઅંશમાં, હૃદયમાં, ચિત્તમાં, ભાવોમાં, વાણીમાં, વ્યવહારમાં, આચરણમાં, ઉપદેશમાં, અંગેઅંગની દિવ્ય ક્રિયાઓમાં સેવાના જ ખળ-ખળ વહેતા પ્રવાહના દર્શન થાય છે, સેવા એ આધ્યાત્મિકતાને અનુસરનારા જીવોનું જીવન છે. ધર્મની પુષ્ટિ વાટીકા છે. એટલું જ નહિ પણ સેવા જ ધર્મની ભવ્ય ઇમારતના પાયાની મુખ્ય આધારશિલા છે, એની એક-એક ઇંટમાં સેવાનો ધબકાર છે. ભગવત સેવા સાથે સાથે જીવમાત્રની સેવા એ જ ધર્મનું પ્રથમ પગથિયું છે, સેવા કાર્ય એ શ્રી વલ્લભે ધર્મ જીવાત્માઓને વારસામાં બક્ષેલી અનમોલ સંપત્તિ છે.

ભગવત્ સેવા તેમજ જીવ માત્રની સેવાથી વધીને ભાવસાગરના કિનારે પહોંચાડનારી બીજી કોઇ માર્ગદર્શક, દીવાદાંડી નથી. સેવાથી વધીને જીવન જીવવા માટેનું બીજું કોઇ બળ નથી. સેવાથી વધીને દેહ-આત્મા વગેરેનો બીજો કોઇ શણગાર નથી. માનવ જીવાત્મા માટે સેવા જ તપ છે, સેવા જ મંત્ર છે, સેવા જ જપ છે, સેવામાં તેનો સાચો સંયમ સધાય છે માટે શ્રી વલ્લભાચાર્યજીએ જીવનના સૌભાગ્યના ઉદય માટે તેના જીવનના સર્વોચ્ચ આદર્શ તરીકે સેવાનો જ ઉપદેશ આપ્યો છે માટે પ્રિતીપૂર્વક ભગવત સેવા સાથે સાથે જીવન માત્રની સેવામાં શરીર, મન, ઇન્દ્રિય, પ્રાણ, અંતકરણ તેમજ ધન-વૈભવનો સમર્પણપૂર્વક વિનિયોગ કરવો આ છે શ્રી વલ્લભનો મુખ્ય સિધ્ધાંત અને દિવ્ય સંદેશ.

ભગવદિયતા એ પુષ્ટિ માર્ગનું આવશ્યક અંગ છે. વર્તમાન યુગના નિરીશ્વર ભૌતિકવાદ અને વૈજ્ઞાનિક નાસ્તિકવાદને માટે એક ખુલ્લો પડકાર છે, આ આધુનિક રહેણીકરણી અને માન્યતાઓએ આધ્યાત્મિક મૂલ્યોમાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે અને તેનું મૂળ છે ભૌતિકવાદીઓના દંભ, ઉદંડ અને અહંકાર કે જેણે વર્તમાન યુગના સમસ્ત વિશ્વને નૈતિક અધઃપતનની ઉંડી ગર્તામાં ડૂબાડી દીધા છે. પરાજયવાદી, પલાયન વૃત્તિવાળા અને માનસિક ભ્રમણમાં મસ્ત રહેતા લોકો માટે આ યુગમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજીનો અમૃતમય સંદેશો આશિર્વાદરૂપ છે. ભૂલ્યા ભટકયાનો આશરો, દુઃખિયાનો વિસામો છે, આશરો છે, આધાર છે.

: સંકલન :

અરવિંદભાઇ પાટડીયા

મો. ૭૦૧૬૪ ૫૨૬૧૧

(3:14 pm IST)