રાજકોટ
News of Friday, 7th May 2021

કર્મકાંડી યુવાનને મરવા મજબૂર કરવાના ગુનામાં આરોપીઓના સગાઓને ઉઠાવી લેતી તાલુકા પોલીસ

શિવમ પાર્કની ઘટનામાં તાલુકા પોલીસે વકિલ આર. ડી. વોરા અને દિલીપ કોરાટ સામે ગુનો નોંધ્યા બાદ આગળ વધતી તપાસ

રાજકોટ તા. ૭: નાના મવા રોડ શાસ્ત્રીનગર સામે શિવમ્ પાર્ક-૨માં રહેતાં કર્મકાંડી બ્રાહ્મણ કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયાને મરવા અને તેના સંતાનોને ઝેર પીવડાવવા મજબૂર કરવાની ઘટનામાં તાલુકા પોલીસે વકિલ તથા કમલેશભાઇના મકાનનો સોદો કરનારા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીઓ ભાગી ગયા હોઇ તાલુકા પોલીસે આ બંનેના સગા સંબંધીઓને પુછતાછ માટે ઉઠાવી લઇ પોલીસ સ્ટેશને બેસાડી દીધા હતાં.

કમલેશભાઇ લાબડીયાએ પોતે ઝેરી દવા પી લઇ પોતાના પુત્ર અને પુત્રીને ઝેર પીવડાવી દીધી હોઇ પુત્રનું મૃત્યુ થયું હતું અને એ પછી કમલેશભાઇએ પણ દમ તોડી દીધો હતો. પોલીસે કમલેશભાઇ સામે હત્યા-હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. આ બનાવમાં મૃત્યુ પામનાર કમલેશભાઇના ભાઇ મવડી ભવનાથ પાર્ક-૧માં રહેતાં કાનજીભાઇ રામકૃષ્ણભાઇ લાબડીાય (ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી એડવોકેટ રાજેશભાઇ દેવજીભાઇ વોરા (આર. ડી. વોરા) તથા દિલીપ જીવરાજભાઇ કોરાટ સામે આઇપીસી ૩૦૬, ૪૦૬, ૩૮૪, ૧૧૪, ૧૨૦-બી મુજબ ગુનો દાખલ કરાયો છે. કમલેશભાઇનું ૧,૨૯,૫૧,૦૦૦ (એક કરોડ ઓગણત્રીસ લાખ એકાવન હજાર)નું મકાન આ બંનેએ માત્ર ૨૦ લાખ ૫૧ હજારમાં પડાવી લેવા કાવત્રુ ઘડ્યાનો ફરિયાદમાં આરોપ મુકાયો હતો. હાલ બંને ફરાર હોઇ તેની શોધખોળ શરૂ થઇ છે. તો બીજી તરફ બંને આરોપીઓના પાંચ-છ કુટુંબીજનો-સગાને તાલુકા પોલીસે પુછતાછ માટે ઉઠાવી લીધા હતાં.

આ ઘટનામાં સ્યુસાઇડ નોટ મુજબ ગુનો દાખલ કરવાની અને પોલીસની તપાસ ઢીલી હોવાના આક્ષેપો બ્રહ્મસમાજના આગેવાનોએ કર્યા હતાં. દરમિયાન હવે પછીની તપાસનો દોર શહેર એસઓજી બ્રાંચને સોંપવામાં આવ્યાનું જાણવા મળે છે. તાલુકા પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ ડામોર, આર. બી. જાડેજા, ભરતભાઇ વનાણી, વિજયગીરી તથા ડી. સ્ટાફની ટીમ તપાસ કરી રહી છે. પોલીસે આરોપીઓના ઘરે દરોડા પાડ્યા હતાં. પરંતુ આરોપીઓ હાથ આવ્યા ન હોઇ તેના સાત જેટલા સગા-સંબંધીઓ-કુટુંબીઓને પોલીસે ઉઠાવી લઇ તાલુકા પોલીસ મથકે લાવી આરોપીઓ પર પ્રેશર લાવવા કાર્યવાહી હાથ ધરી છે. 

(3:19 pm IST)