રાજકોટ
News of Friday, 7th May 2021

નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર માતા-પુત્રને ટક્કર મારીને કાર ચાલક નાસી છૂટયો

સ્કૂટી ઉપર જઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલ કારચાલકે બન્નેને ઉલાળતા ગંભીર ઈજા

તસ્વીરમાં કાર, અકસ્માતગ્રસ્ત સ્કુટી તથા હોસ્પીટલમાં સારવારમાં રેખાબેન દવે અને દ્વારીક દવે નજરે પડે છે

રાજકોટ, તા. ૭ :. રાજકોટમાં ગઈકાલે સાંજે કાર ચાલકે માતા-પુત્રને હડફેટે લેતા બન્નેને ગંભીર હાલતમાં હોસ્પીટલમાં સારવારમાં ખસેડેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના રૂડાનગર વિસ્તારમાં રહેતા ઉમેશભાઈ દવેનો પુત્ર દ્વારીક (ઉ.વ. ૨૪) તેના માતા રેખાબેન ઉમેશભાઈ દવેને લઈને સ્કુટી ઉપર પોતાના ઘરેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફ જઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતી કાર નં. જીજે ૩એબી ૭૦૯૧ના કારચાલકે સ્કુટીને હડફેટે લીધુ હતુ અને માતા રેખાબેન ઉમેશભાઈ દવે અને પુત્ર દ્વારીક ઉમેશભાઈ દવેને રોડ ઉપર ઉલાળતા ગંભીર ઈજા પહોંચતા તાબડતોબ ૧૦૮ એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પીટલમાં ખસેડવામા આવ્યા હતા. જ્યાં ઈમરજન્સી સારવાર શરૂ કરવામાં આવી છે. જ્યાં રેખાબેન અને દ્વારીકને ઓપરેશનની જરૂર પડી છે અને તબીયત ગંભીર હોવાથી બન્નેને તબીબો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.

આ બનાવ અંગે હોસ્પીટલના બિછાનેથી ઈજાગ્રસ્ત રેખાબેન ઉમેશભાઈ દવેએ યુનિવર્સિટી રોડ પોલીસ સ્ટેશનને ફરીયાદ કરી છે. જેના આધારે અજાણ્યા કારચાલક સામે પોલીસે ગુન્હો નોંધીને વધુ તપાસ સાજીદભાઈ ખેરાણી અને સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે.

અકસ્માત સર્જીને કારચાલક પોતાની કાર ત્યાં જ મુકીને નાસી છૂટયો હતો. પોલીસે કારના નંબર આધારે કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

(3:20 pm IST)