રાજકોટ
News of Friday, 7th May 2021

સાવ આછુ ઓકસીજન લેવલ ધરાવતા સુનીતાબેનને નવું જીવન મળ્યુ, કહ્યું મારી દિકરીને મળી શકીશ

રાજકોટઃ શ્વાસ લેવામાં પારાવાર તકલીફ અને મૃત્યુને પ્રત્યક્ષ અનુભવવા છતાં હિંમતભેર તપાસ માટે આગળ આવી યોગ્ય સારવાર થકી રાજકોટના આંબેડકરનગરના રહિશ એવા સુનિતાબેને કોરોનાને મ્હાત આપી નવજીવન મેળવ્યું છે.

કોરોનામુકત થવાથી પોતાની એકલવાયી બનેલી દીકરીને ફરી મળી શકવાના હરખને વ્યકત કરતા સુનીતાબેન કાનજીભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, પોતાને શ્વાસ લેવામાં તકલીફ જણાતા તેઓએ ડર રાખ્યા વગર તુરંત જ સીવીલ હોસ્પીટલમાં દાખલ થવાનો નિશ્ચય કર્યો. જયાં તેઓનો ટેસ્ટ કરતાં કોરોના પોઝીટીવ હોવા ઉપરાંત ઓકસીજન લેવલ ઓછું હોવાથી ક્રિટીકલ જણાતા કેન્સર કોવીડ હોસ્પીટલ ખાતે રીફર કરાયા હતા. જયાં વેન્ટીલેટર પર ત્રણ દિવસ સુધી રાખી અહિંના ડોકટરો દ્વારા સતત મોનીટરીંગ અને દવાઓ સાથે પોષક આહાર અને નિયમિત હળવી કસરતો દ્વારા તેઓ કોરોનાથી મુકત બન્યા છે.

 કોરોનામુકત બની પોતાના સ્વગૃહે પરત ફરતા પોતાની એકની એક વ્હાલસોયી દિકરીને ફરી મળવાનો હરખ તેઓના આંખમાંથી વહી રહેલા હર્ષાશ્રુમાં સ્પષ્ટ દેખાઇ રહ્યો હતો.

(4:14 pm IST)