ગાંધીગ્રામમાં આઠ ફોરવ્હીલના ૧૩ મેગવ્હીલ ટાયરની ચોરી કરનારો સાજીદ સેતા પકડાયો
દોઢ મહિનામાં ટાયર ચોરી કર્યા બાદ એક ટાયર ૧૦ થી ૧ર હજારમાં વેંચી નાખતો'તોઃ ૧૦ ટાયર અમદાવાદમાં વેંચી માર્યા
રાજકોટ તા. ૭: ગાંધીગ્રામ વિસ્તારમાં દસથી વધુ લોકોના ઘર પાસે પાર્ક કરેલી કારના મેગવ્હીલ ટાયરની ચોરી કરનારા શખ્સને ગાંધીગ્રામ પોલીસે ત્રણ ચોરાઉ મેગવ્હીલ ટાયર સાથે પકડી લીધો છે.
મળતી વિગત મુજબ ગાંધીગ્રામના ગાંધીનગર સોસાયટીમાં એક શખ્સ ચોરાઉ મેગવ્હીલ વેંચવા આવ્યો હોવાની ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ. દિગ્વીજયસિંહ ગોહિલ, કોન્સ. ગોપાલભાઇ અને ભરતભાઇ ચૌહાણને બાતમી મળતા ગાંધીનગર સોસાયટી શેરી નં. ૪ માંથી એક જી.જે.-૩ સીઆર-૧૮૧ નંબરની એસેન્ટ કારને શંકાના આધારે રોકી તલાશી લેતા તેમાંથી રૂા. ૪પ હજારના ચોરાઉ ત્રણ મેગવ્હીલ મળી આવતા ચાલક સાજીદ બાબુભાઇ સેતા (ઉ.વ. ૩૦) (રહે. બજરંગવાડી શેરી નં. ૧૩) ને પકડી લીધો હતો. પોલીસે તેની પુછપરછ કરતા તે ડ્રાઇવીંગ કરે છે તેણે ગાંધીગ્રામ વિસ્તારમાં છેલ્લા દોઢેક મહિનામાં અલગ-અલગ જગ્યાએ રહેવાસીઓએ પોતાના ઘર પાસે પાર્ક કરેલી આઠ જેટલી ફોર વ્હીલના મેગવ્હીલ ચોરી કર્યાની કબુલાત આપી હતી. તેણે દસથી વધુ મેગાવ્હીલ ચોરી કર્યા હતા. એક મેગ વ્હીલ ૧૦ થી ૧ર હજારમાં વેંચી નાખતો હતો. તે ૧૦ મેગવ્હીલ અમદાવાદમાં વેંચી નાખ્યા હોવાની કબુલાત આપતા પોલીસે તેના રીમાન્ડની તજવીજ હાથધરી છે.