રાજકોટ
News of Thursday, 7th July 2022

રોહીદાસપરાના ગિરીશભાઇ સોલંકીનો લાતી પ્‍લોટમાં ઝેરી દવા પી આપઘાત

કેન્‍સરના ઓપરેશન બાદ ફરીથી ખરાબ રિપોર્ટ આવતાં ગભરાઇ જઇ પગલુ ભર્યુ

રાજકોટ તા. ૭: કુવાડવા રોડ પર રણછોડદાસ બાપુના આશ્રમ પાસે રોહીદાસપરા-૭માં રહેતાં ગિરીશભાઇ મેઘજીભાઇ સોલંકી (ઉ.વ.૪૫)એ ગઇકાલે ઘરેથી નીકળી જઇ લાતી પ્‍લોટ-૯માં પહોંચી ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

ગિરીશભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પોતે ચારભાઇ અને એક બહેનમાં ત્રીજા હતાં. પરિવારજનના કહેવા મુજબ ગિરીશભાઇને મોઢાનું કેન્‍સર થયું હતું. ઓપરેશન કરાવ્‍યા બાદ સારું થઇ ગયું હતું. પણ બે દિવસ પહેલા રિપોર્ટ કરાવવામાં આવતાં એક હાડકામાં ફરીથી સડો થતો હોવાનો રિપોર્ટ આવતાં તે ગભરાઇ ગયા હતાં અને આ પગલુ ભરી લીધું હતું.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

પ્રવિણ દવેરાનું થોરાળા પાસે બેભાન થઇ જતાં મોત

મોરબી રોડ પર ગોપાલ રેસિડેન્‍સીમાં રહેતો અને છુટક મજૂરી કરતો પ્રવિણભાઇ રાયધનભાઇ દાવેરા (ઉ.૩૦) થોરાળા પોલીસ સ્‍ટેશન નજીક મજૂરીએ આવ્‍યો હોઇ અહિ છાતીમાં દુઃખતાં આરામ કરવા માટે સુઇ ગયા બાદ બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ દમ તોડી દીધો હતો. થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:20 pm IST)