રાજકોટ
News of Thursday, 7th July 2022

કબીર વન તથા વિદ્યાનગર મેઇન રોડ ડેરી ફાર્મમાંથી દૂધના ૨ નમૂના લેવાયા

રાજકોટ તા. ૭ : શહેરીજનોના જન આરોગ્‍ય હિતાર્થે મનપાની ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્‍તારોમાં ખાદ્ય પદાર્થોના ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અન્‍વયે કોઠારિયા રોડ, મુંજકા વિસ્‍તારમાં ૩૧ વેપારીને ત્‍યાં ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન ૬ વેપારીને લાઇસન્‍સ બાબતે નોટીસ પાઠવવા આવી છે. જયારે  કબીર વન મેઇન રોડ તથા વિદ્યાનગર મેઇન રોડ પરની ડેરીફાર્મમાંથી  દૂધના ૨ નમૂના લેવામાં આવ્‍યા છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ફુડ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગત આ મુજબ છે.

ચેકીંગ

ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે મેહુલનગર મેઇન રોડ, નીલકંઠ પાર્ક-કોઠારીયા રોડ વિસ્‍તારમાં ચકાસણી તથા અવેરનેસ હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૮ પેઢીની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમિયાન વેચાણ થતાં દૂધ, ઠંડાપીણા, મસાલા તથા ઉપયોગમાં લેવાતા ખાદ્યતેલ વિગેરેના કુલ ૯ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.

૬ ધંધાર્થીને નોટીસ

ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે મુંજકા, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી વિસ્‍તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. કુલ ૧૩ ખાણીપીણી ધંધાર્થીને ત્‍યાં ચકાસણી કરવામાં આવેલ તથા ચકાસણી દરમિયાન ૦૬ પેઢીને લાયસન્‍સ બાબતે નોટીસ આપેલ. જેમાં (૧) રોનક કોલ્‍ડ્રીંકસ (ર) રોનક ફૂડ (૩) આર.કે.ડિલકસ પાન (૪) પ્રમુખ હોટલ (૫) ઓમ પાન એન્‍ડ કોલ્‍ડ્રીંકસ (૬) ગાત્રાળ જનરલ સ્‍ટોરનો સમાવેશ થાય છે.

દૂધના બે નમૂના લેવાયા

ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એકટ ૨૦૦૬ હેઠળ (૧) મિકસ દૂધ (લુઝ)ના જય જલીયાણ ડેરી ફાર્મ - કબીર વન મેઇન રોડ, આરોગ્‍ય કેન્‍દ્રની સામે તથા શ્રી ગાયત્રી ડેરી ફાર્મ ૫/૬ મનહર પ્‍લોટ, વિદ્યાનગર મેઇન રોડ ખાતેથી નમૂના લેવામાં આવ્‍યા છે.

(3:11 pm IST)