ભક્તિનગર પોલીસે રિક્ષાચોરીનો ભેદ ઉકેલ્યોઃ નંદા હોલ પાસેથી હિમત પકડાયો
પરમ દિવસે જ ઉઠાંતરી કરી હતીઃ હેડકોન્સ. દિલીપભાઇ બોરીચા, અરવિંદભાઇ અને કરણભાઇની બાતમી પરથી કાર્યવાહી
રાજકોટ તા. ૭: કોઠારીયા રોડ પરના આનંદનગર કવાર્ટરમાંથી પરમ દિવસે રાત્રીના સમયે રૂા. ૨૫ હજારની કિંમતની જીજે૦૩એયુ-૧૩૩૫ નંબરની રિક્ષા ચોરાઇ ગઇ હતી. આ રિક્ષા ચોરીનો ભેદ ભક્તિનગર પોલીસે ઉકેલી હિમત જગદીશભાઇ નિમાવત (ઉ.૨૭-રહે. ગોકુલધામ ક્વાર્ટર, ગુરૂ પ્રસાદ ચોકથી આગળ)ને નંદા હોલ પાસેથી પકડી લેવાયો છે.
ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. દિલીપભાઇ બોરીચા, અરવિંદભાઇ ફતેપરા અને કરણભાઇ કોઠીવાલને બાતમી મળી હતી કે નંદા હોલ પાસે ૧૩૩૫ નંબરની રિક્ષા ઉભી છે એ ચોરાઉ છે. આ માહિતી પરથી ત્યાં પહોંચી ચાલક હિમત નિમાવતની પુછતાછ કરી રિક્ષાના કાગળો માંગતા ગલ્લા તલ્લા કર્યા બાદ ચોરી કરી હોવાનું કબુલતાં તેની ધરપકડ કરી છે. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી વી. એમ. રબારીની રાહબરીમાં પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ એચ. એન. રાયજાદા અને ટીમે આ કામગીરી કરી હતી.
પકડાયેલો શખ્સ પોતે રિક્ષા ડ્રાઇવીંગ કરે છે. ફેરવવા માટે જરૂર હોવાથી ઉઠાવી લીધાનું રટણ કર્યુ હતું.