રાજકોટ
News of Monday, 7th September 2020

રાજકોટ-ગોંડલ તથા હળવદ માર્કેટયાર્ડમાં નવી મગફળીની પુરજોશમાં આવક શરૂ...

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના રાઉન્ડ બાદ 'વરાપ' નીકળતાઃ રાજકોટમાં ૧૦૦૦, ગોંડલમાં ૧પ૦૦ તથા હળવદમાં ૭૦૦ ગુણીની આવકોઃ ખેડૂતોને નવી મગફળી એક મણના ભાવ ૭૦૦થી ૧૦૪૧ સુધીના ભાવ મળ્યા

રાજકોટ તા. ૭: સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ભારે વરસાદના રાઉન્ડ બાદ વરાપ નીકળતા જ રાજકોટ, ગોંડલ તથા હળવદ માર્કેટયાર્ડમાં આગોતરા વાવેતરની નવી મગફળીની આવકો પુરજોશમાં શરૂ થઇ ગઇ છે. ખેડૂતોને નવી મગફળી એક મણના ૭૦૦ રૂ. થી માંડી ૧૦૪૧ સુધીના ભાવો મળ્યા હતા.

રાજકોટ માર્કેટયાર્ડમાં આજે હળવદ પંથકમાંથી નવી મગફળીની ૧૦૦૦ ગુણીની આવકો થઇ હતી. યાર્ડનાં વેપારી અતુલ કામાણીના જણાવ્યા મુજબ મીડીયમ મગફળી એક મણના ભાવ ૭ર૦ થી ૮પ૦ રૂ. તથા બેસ્ટ મગફળીના ભાવ ૯પ૦ થી ૧૦૦૦ રૂ.ના ભાવે સોદા પડયા હતા. જયારે જૂની મગફળીની પ૦૦ ગુણીની આવકો થઇ હતી અને એક મણના ભાવ ૮પ૦ થી ૧૦૪૦ રૂ. હતા.

રાજકોટની સાથે ગોંડલ માર્કેટયાર્ડમાં નવી મગફળીની ૧પ૦૦ ગુણી તથા હળવદ માર્કેટયાર્ડમાં નવી મગફળીની ૭૦૦ ગુણીની આવકો થઇ હતી. મગફળીના વેપારી મુકેશભાઇ વોરાના જણાવ્યા મુજબ ગોંડલ યાર્ડમાં નવી મગફળી એક મણના ભાવ ૯૦૦ થી ૧૦૪૧ રૂ. અને હળવદ યાર્ડમાં નવી મગફળી એક મણના ભાવ ૮૦૦ થી ૯૪૧ રૂપિયા ખેડૂતોને મળ્યા હતા.

સૌરાષ્ટ્રમાં પાણીવાળા વિસ્તાર તરીકે ઓળખાતા હળવદ પંથકમાં મોટાભાગે આગોતરા મગફળીનું વાવેતર થયું છે. સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં ખેડૂતોને પાણીની સગવડતા છે ત્યાં પણ મગફળીનું વાવેતર થયું છે. આગોતરા વાવેતરની નવી મગફળીની પુરજોશમાં આવકો શરૂ થઇ ગઇ છે અને આગામી દિવસોમાં હજી પણ આવકો વધશે.

(1:10 pm IST)