રાજકોટ
News of Monday, 7th September 2020

શાસ્ત્રીનગરમાં નિર્મળાબેનના અઠવાડીયુ બંધ રહેલા મકાનમાંથી ૫.૪૦ લાખની ચોરીમાં તપાસ

રાજકોટ તા. ૭: નાના મવા રોડ શાસ્ત્રીનગર સોસાયટી-૦૫ તપોવન મકાન સામે એકલા જ રહેતાં નિર્મળાબેન રમણભાઇ સોલંકી (ઉ.વ.૪૮)ના અઠવાડીયુ ંબંધ રહેલા મકાનમાંથી તસ્કરો રૂ. ૫,૪૦,૦૦૦ની મત્તા ઉસેડી ગયા હોઇ ભેદ ઉકેલવા પોલીસે મથામણ શરૂ કરી છે.

આ મામલે માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નિર્મળાબેનના કહેવા મુજબ તે ૨૯/૮ના રોજ જામનગરના સિક્કા ગામે તેમના ભાભીના કાકા હરેશભાઇ પરમાર ગુજરી ગયા હોઇ ઘરને તાળા લગાવી સાંજે ચારેક વાગ્યે ત્યાં ગયા હતાં. ૫/૯ સુધી ત્યાં જ રોકાયા હતાં. પરમ દિવસે સાંજે પરત આવ્યા ત્યારે લોખંડના દરવાજાના નકુચા તૂટેલા જોવા મળ્યા હતાં. ઘરમાં તપાસ કરતાં કબાટો અને સામાન વેરવિખેર જોવા મળતાં તેમણે ભાઇ મહેશભાઇ ખીમજીભાઇ મકવાણાને ફોન કરી ચોરીની જાણ કરી હતી. એ પછી તેમના ભાઇના સાળા મનિષભાઇ આવ્યા હતાં અને પોલીસને બોલાવી હતી.

ઘરમાં તપાસ કરતાં તસ્કરો કબાટમાંથી રૂ. ૩ લાખ રોકડા, બે જોડી પાટલા, ચાર વીંટી, સોનાની બુટી, ડાયમંડ ઘડીયાળ, વર્કવાળા ચાર પાટલા, સોનાના બે ચેઇન, જેન્ટસ વીંટી બે, બે જોડી ચાંદીના સાંકળા,  ચાંદીના સિક્કા ત્રણ મળી કુલ રૂ. ૫,૪૦,૦૦૦ની મત્તા ગાયબ જણાતાં તે મુજબની ફરિયાદ નોંધાવી હતી. બંધ મકાને તા. ૩ના રોજ નિર્મળાબેનના ભાઇ મહેશભાઇ મકવાણા આટો મારી ગયા હતાં. ત્યારે તાળા નકુચા હેમખેમ જોવા મળ્યા હતાં. એ પછી બનાવ બન્યો હતો. હેડકોન્સ. ડી. જે. જાદવએ ગુનો નોંધતા પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ ઝાલા, મશરીભાઇ ભેટારીયા અને ટીમે ડોગ સ્કવોડ, ફિંગર પ્રિન્ટની મદદથી કાર્યવાહી કરી ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.

(1:12 pm IST)