રાજકોટ
News of Monday, 7th September 2020

દામજી મેપા પ્લોટના વિકલાંગ દરજી વૃધ્ધના ૮.૭૦ લાખ ચાંઉ કરી ગયેલો વિમલ ઉર્ફ વિમલેશ મહેતા સકંજામાં

આંખે ઓછુ દેખતા નિઃસંતાન વૃધ્ધ દિલીપભાઇ ચાવડા સાથે જુના પારિવારીક સંબંધોનો ગેરલાભ ઉઠાવી બેંકના ચેક ચોરી વૃધ્ધની ખોટી સહિથી નાણા ઉપાડી મોજશોખમાં વાપરી નાંખ્યાનું રટણ

રાજકોટ તા. ૭: સહકાર સોસાયટી મેઇન રોડ પીપળીયા હોલ પાસે દામજી મેપા પ્લોટ-૩માં રહેતાં વિકલાંગ અને આંખે ઓછુ દેખતા દરજી વૃધ્ધ દિલીપભાઇ બાબુલાલ ચાવડા (ઉ.વ.૬૩) સાથે તેના જ વર્ષો જુના પરિચીત ઢેબર રોડ શ્રમજીવી સોસાયટી-૫માં પરિશ્રમ ખાતે રહેતાં વિમલ ઉર્ફ વિમલેશ ઇન્દુભાઇ મહેતા નામના શખ્સે ઠગાઇ કરી બેંકના ચેકો ચોરી ખોટી સહીઓ કરી વટાવી લઇ દરજી વૃધ્ધના મરણમુડી સમાન રૂ. ૮,૭૦,૦૦૦ લાખ ચાંઉ કરી લીધાના બનાવમાં ભકિતનગર પોલીસે અરજી પરથી તપાસ કર્યા બાદ ગુનો નોંધી આરોપી વિમલ ઉર્ફ વિમલેશને સકંજામાં લીધો છે. પુછતાછમાં તેણે નાણા મોજશોખ પાછળ ઉડાડી દીધાનું રટણ કર્યુ હોઇ કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ મામલે પોલીસે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૭૧ મુજબ ગુનો નોંધ્યો હતો. આરોપી વિમલ ઉર્ફ વિમલેશ મહેતા ફરિયાદી વૃધ્ધના ઘરે વર્ષોથી આવ-જા કરતો હોઇ પારિવારીક સંબંધો હોવાથી વૃધ્ધ તેના પર આંધળો વિશ્વાસ કરતાં હતાં. ૨૦૧૭ના વર્ષમાં કોઇપણ સમયે વિમલ ઉર્ફ વિમલેશે બેંકમાં કેવાયસી કરાવવા ડોકયુમેન્ટની જરૂર છે તેમ કહી વૃધ્ધની થેલીમાંથી રાજ બેંક અને આઇઓબી બેંકની ચેકબુકોમાંથી કોરા ચેકો કાઢી લીધા હતાં. બાદમાં તેમાં દિલીપભાઇની ખોટી સહીઓ કરી રૂ. ૧૪,૭૦,૦૦૦ ઉપાડી લીધા હતાં. જેમાંથી અમુક રકમ દિલીપભાઇના ખાતામાં જમા કરાવી દઇ બાકીના રૂ. ૮,૭૦,૦૦૦ ચાંઉ કરી લીધા હતાં.

વૃધ્ધને છેતરપીંડી થયાની ખબર પડતાં ડીસીપી પ્રવિણકુમાર મીણાને મળી આપવીતી વર્ણવી વિસ્તૃત અરજી આપી હતી. તેના આધારે તપાસ કરી ભકિતનગર પીઆઇ જે. ડી. ઝાલા, નિલેષભાઇ મકવાણા સહિતે ગુનો નોંધી આરોપી વિમલેશ ઉર્ફ વિમલને સકંજામાં લઇ પુછતાછ શરૂ કરી છે. કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ થશે.

(3:10 pm IST)