રાજકોટ
News of Monday, 7th September 2020

હરબટીયાળીના શિક્ષિકા ગીતાબેન સાંચલા (ટંકારીયા) નું શ્રેષ્ઠ શિક્ષક તરીકે બહુમાન

રાજકોટ તા. ૭ : શિક્ષક દિન નિમિતે શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન કરાયા તેમાં ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના પ્રાથમિક શિક્ષક ગીતાબેન એમ. ચાંચલા (ટંકારીયા)ને મોરબી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સાંસદ મોહનભાઇ કુંડારીયાના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકે શીલ્ડ આપી સન્માનીત કરાયા હતા. ઉલ્લેખનીય છે કે ગીતાબેન છેલ્લા ૩ વર્ષથી હરબટીયાળીમાં શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. ધો.૧ અને ૨ ના બાળકોને ભણાવવા તેમણે આકર્ષક પ્રશિક્ષણ વર્ગ બનાવ્યો હતો. ગમ્મત સાથે જ્ઞાન મળે તેવી રમતોનું નિર્માણ કર્યુ હતુ. ઇનેવેશન ફેર અને ખેલમહાકુંભમાં પણ વિદ્યાર્થીઓને ભાગ લેતા કર્યા હતા. બાળકોમાં વિકાસલક્ષી મુલ્યોનું સિંચન થાય તેવા હેતુથી 'મહાકાલ' અને 'કુમકુમ' ગ્રુપ બનાવી   વૃક્ષારોપણ, વડીલવંદના, ગૌ માતાને ઘાસચારો, વ્યસનમુકિત જેવા કાર્યક્રમો આપ્યા. ઓનાલાઇન શિક્ષણમાં પણ અગ્રેસર ભુમિકા ભજવી. તેમના પ્રયાસોથી બનેલ એક શોર્ટ ફિલ્મે પણ સારી ચાહના મેળવી હતી. હાલમાં જ મોરબી ભારત વિકાસ પરિષદ યોજીત એકલ ગાન સ્પર્ધામાં ઓપન કેટેગરીમાં ગીતાબેને ત્રીજુ સ્થાન મેળવ્યુ હતુ. તેઓ મુળ તો સરપદડ ગામના વતની છે. પિતા મનસુખભાઇ સાંચલા આદર્શ શિક્ષક હોય કેળવણીનું જ્ઞાન ગળથુથીમાં જ મળ્યુ. ત્યારે શિક્ષક દિને શ્રેષ્ઠ શિક્ષક તરીકે યથાર્થ બહુમાન મેળવતા ગીતાબેનને ટી.પી.ઓ. જીજ્ઞાબેન, પ્રમુખ છાયાબેન, શૈલેષભાઇ સાણજા, બી.આર.સી. કોર્ડીનેટર કલ્પેશભાઇ ફેફર, શાળા આચાર્ય મગનભાઇ ઉજરીયા, મહામંત્રી વિરમભાઇ દેસાઇ, કૌશિકભાઇ ઢેઢી, વિનોદભાઇ સુરાણી, ભરતભાઇ રાજકોટીયા, પરેશભાઇ નમેરા વગેરેએ શુભેચ્છા પાઠવી છે.

(3:22 pm IST)