રાજકોટ
News of Monday, 7th September 2020

ગ્રામ્ય વિસ્તારના સાજા થતા દર્દીઓ માટે એમ્બ્યુલન્સ સેવા

રાજકોટ,તા.૭: નોવેલ કોરોના વાયરસ જેવી વિશ્વ મહામારીના સમયમાં રોગ અટકાયતી પગલાં લેવા માટે રાજકોટ જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર તથા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. તેમજ દર્દીઓને પડતી મુશ્કેલીઓનું નિવારણ કરવામાં આવી રહયું છે. જેના ભાગ રૂપે પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટ ખાતે કોરોનાના દર્દીને સારવાર માટે દાખલ કરવામાં આવે છે. કેટલા સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને શ્રી બી.જી.ગેરૈયા કોવિડ કેર સેન્ટર ખાતે પણ સારવાર આપવામાં આવી રહી છે. તથા કેટલાક દર્દીઓને સમરસ હોસ્ટેલ ખાતે રાખવામા આવે છે.

     ખાસ કરી ગ્રામ્ય વિસ્તારના કોરોનાના દર્દીઓને સાજા થયા બાદ પાછા ઘરે જવા માટે મુશ્કેલીઓ ન પડે અને સમયસર પોતાના ઘરે પરત જઇ શકે તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત દ્વારા તાજેતરમાં ૪ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ સાજા થયેલ દર્દીઓને તેમના ઘર સુધી મૂકવા જશે. આ સેવાના પ્રારંભના બે જ દિવસમાં ૧૯ લોકોએ સેવાનો લાભ લીધો છે.

(3:22 pm IST)