રાજકોટ
News of Monday, 7th September 2020

સિવિલની કોવીડ હોસ્પિટલને વ્યવસ્થાપનમાં ૨૪ કલાક મદદરૂપ બનતા ખાનગી સિકયોરીટીના ફરજનિષ્ઠ જવાનો

કોરોના વોરીયર્સ જવાનોને ઇન્ચાર્જ ગિરીરાજસિંહ બી. રાઠોડનું સતત માર્ગદર્શન

રાજકોટ તા. ૭: કોવીડ હોસ્પિટલ નજીક એમ્બ્યુલન્સની સાયરનનો અવાજ નજીક આવતા જ રસ્તા પરની બેરીકેટ ફટાફટ એક તરફ કરી એમ્બ્યુલન્સને રસ્તો કરી આપે છે, એમ્બ્યુલન્સ અંદર આવી જતા જ ફરી બેરીકેટ ગોઠવી દેવામાં આવે છે.

     એક પણ વાહન રસ્તા પર ના જોવા મળે, લોકો રસ્તા પર ટોળે નો વળે અને કતારમાં જ ઉભા રહે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તેની મહત્વની જવાબદારી સાથે વિવિધ વ્યવસ્થા જાળવે છે હોસ્પિટલ ખાતેના ખાનગી સિકયુરીટીના જવાનો.

હાલ કોવીડ હોસ્પિટલ પર કોરોના સંક્રમિત દર્દીઓની મોટી સંખ્યામાં આવાગમન રહેતું હોઈ તંત્રની સુવિધા જળવાઈ રહે અને કોઇપણ પ્રકારની અવ્યવસ્થા ના ઉભી થાય તેની જવાબદારી કોરોના વોરીયર્સ એવા ખાનગી સિકયોરીટીના જવાનો રાત દિવસ નિભાવી રહ્યા છે. ઙ્ગ

છેલ્લા એક વર્ષ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા અને હાલ છેલ્લા ૬ મહિનાથી કોવીડ હોસ્પિટલ ખાતે ફરજ પર રહેલા સોલંકી ગોરધનભાઈ ટાઢ-તડકો અને વરસાદ જેવી વિપરિત પરિસ્થિતિમાં પણ હુકમ મુજબ ફરજ બજાવી રહ્યાનું જણાવે છે, ઘરના લોકો ચિંતિત છે ? તેમ પૂછતા કહે છે કે, આપણે ફરજ નહિ બજાવીએ તો કોણ બજાવશે ? પરિવારજનો શરૂઆતમાં વિરોધ કરતા હતાં પરંતુ હવે તેઓએ પણ મારી ફરજનિષ્ઠા સ્વીકારી લીધી છે.

સિવિલ ખાતે સિકયુરીટી ઇન્ચાર્જ અજીતસિંહ જાડેજા નિવૃત પોલીસ અધિકારી હોઈ અનુશાસન અને ફરજનિષ્ઠા તેમના લોહીમાં છે. ઘર પરિવારથી દુર રહી તેમની સમગ્ર ટીમ યોગ્ય રીતે વ્યવસ્થા જળવાઈ રહે તેની જવાબદારી નિભાવી રહી છે, સાથો - સાથ હોસ્પિટલમાં અલગ અલગ પ્રકારના લોકો આવતા હોય તેઓને સાચો રસ્તો દેખાડી માનવીય કાર્ય કરવાનું ભાથું પણ બાંધે છે. મહામારીના સમયમાં માણસાઈના જીવનમંત્ર સાથે ફરજ બજાવતા અજીતસિંહ કોરોનાના આ કપરા સમયમાં લોકો માસ્ક સાથે આવે અને સોશીયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેની ખાસ કાળજી રાખે છે. લોકોને જરૂરી રસ્તો દેખાડવાનું, સ્થળ સુધી પહોચાડવાનું સિકયોરીટીના જવાનો કામ કરી રહ્યાનું તેઓ ગૌરવ સાથે જણાવે છે.

કોવીડ હોસ્પિટલ ખાતે હાલ ઈમરજન્સીની સ્થિતિમાં ૨૪ કલાક ખડે પગે રહી સિકયોરીટી જવાનો જાનના જોખમે વ્યવસ્થાપનમાં ખુબ જ મહત્વની ભૂમિકા અદા કરી રહ્યા છે. સિકયુરીટી ઇન્ચાર્જ ગિરીરાજસિંહ રાઠોડની ટીમના એ. બી. જાડેજા, જનકસિંહ ઝાલા, ભીમાભાઇ ખટારીયા, રેશ્માબેન સરવદી અને સિકંદરભાઇ શેખ સહિતના સતત જવાનોને ઉત્સાહિત રાખે છે.

(3:24 pm IST)