રાજકોટ
News of Monday, 7th September 2020

દવાના વેપારીઓને કોરોના વોરીયર્સ તરીકે જાહેર કરી સન્માનીત કરોઃ નહીતર અમારે કંઇક વિચારવું પડશે

કેમીસ્ટ એસો. રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા તથા મંત્રી અનિમેષ દેસાઇની ઉગ્ર માંગણીઃ દવાના વેપારીઓ દરેક સમયમાં તંત્રને જીવના જોખમે સહકાર આપે છે તો પછી આવો ભેદભાવ શા માટે ?

રાજકોટ, તા., ૭: કેમીસ્ટ એસો. રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા તથા મંત્રી અનિમેશભાઇ દેસાઇએ આજ રોજ સરકાર પાસે ઉગ્ર માંગણી કરી છે કે દવાના  તમામ વેપારીઓને કોરોના વોરીયર્સ તરીકે જાહેર કરવામાં આવે તથા તેનું સન્માન કરવામાં આવે.

દવાના વેપારીઓએ વર્ષોથી દરેક સમયમાં સરકારને સહયોગ આપ્યો છે તથા સરકારની તમામ નીતી-નિયમોનું શિસ્ત બધ્ધ રીતે પાલન કર્યુ છે.

પછી તે સરકારની વેપાર પોલીસી હોય, ઓન લાઇન ફાર્મસીનો પ્રશ્નો હોય માસ્ક સેનીટાઇઝર વિગેરે સંદર્ભે તમામ બાબતો સરકારના દિશા સુચન મુજબ સ્વીકારી છે.

કોરોના સમય દરમિયાન લોકડાઉન-અનલોક સહિતના સમયમાં જીવન જોખમે પણ લોકોની સેવા માટે દવાના વેપારીઓ તત્પર રહ્યા છે. હવે અમારી આ કોરોના વોરીયર્સ તરીકેના સન્માનની આ વ્યાજબી માંગણી જો નહીં સ્વીકારવામાં આવે તો કેમીસ્ટર એસોસીએશન રાજકોટે ચોક્કસપણે કંઇક વિચારવું પડશે.

(4:02 pm IST)