રાજકોટ
News of Monday, 8th February 2021

મારા ઇચ્‍છીત ઉમેદવારો સાથેની પેનલનું કમીટમેન્‍ટ પક્ષે નહિ જાળવ્‍યાનો વસવસોઃ પ્રદિપ ત્રિવેદી

પ્રકાશ લૈયા, પારૂલબેન નકુમ, રેખાબેન ગેડીયાની મારી સુચીત પેનલમાંથી છેલ્લે દિવસે પ્રથમ પારૂલબેનનું અને બાદમાં પ્રકાશ લૈયા નામ ફેરવી નખાયું: ઉપરથી સેટીંગનો આક્ષેપ : ભલે હું ચૂંટણી નથી લડતો પણ કોંગ્રેસ પપ બેઠક સાથે રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશનમાં સત્તા પર આવશે

રાજકોટ, તા., ૮: રાજકોટ મ્‍યુનીસીપલ કોર્પોરેશનની આગામી ર૧મી તારીખે યોજાનાર ચૂંટણી પુર્વે રાજકોટમાં હંમેશની માફક કોંગ્રેસમાં જુથવાદનો એરૂ સળવળ્‍યો હતો. ફોર્મ ભરવાના અંતિમ દિવસ પુર્વે બે દિવસ પહલા સિનીયર કોંગ્રેસી આગેવાન  પ્રદિપ ત્રિવેદીને પક્ષે ચૂંટણી લડવા તૈયાર કર્યા હતા. પરંતુ અંતિમ દિવસે તેમના ઇચ્‍છીત ઉમેદવારોની પેનલ નહિ સ્‍વીકારાતા તેઓએ નારાજ થઇ ચૂંટણી લડવાનું માંડી વાળ્‍યું હતું. આ મુદ્દે આજે અકિલાના મોભી કિરીટભાઇ  ગણાત્રા સમક્ષ તેમણે વસવસો ઠાલવતા  ઉપરથી સેટીંગ થઇ ગયાનો આક્ષેપ કર્યો હતો.

પ્રદિપ ત્રિવેદીએ જણાવ્‍યુંઁ હતું કે, વોર્ડ નં. ૧ માંથી ભાજપે ભાનુબેન બાબરીયા અને લાભુભાઇ આહીરના પુત્ર સહીતના સબળ ઉમેદવારો ઉતાર્યા છે. છતાં ચારે ચાર સીટ જીતી બતાવવા મેં બાહેધરી આપી હતી.  જેની સામે પક્ષે હું કહું તે ઉમેદવારનું કમીટમેન્‍ટ આપ્‍યું હતું. મેં મારા સિવાય પ્રકાશ લૈયા (આહીર), પારૂલબેન નકુમ અને રેખાબેન મનોજભાઇ ગેડીયાની પેનલ સુચવી હતી. પરંતુ અંતિમ દિવસે મારા અને રેખાબેન ગેડીયા સિવાય પારૂલબેન નકુમના સ્‍થાને જલ્‍પાબેન અને પાછળથી પ્રકાશ લૈયાના સ્‍થાને ભરતભાઇ આહીરનું નામ પક્ષે નક્કી કરતા મેં ચૂંટણી લડવાનું માંડી વાળ્‍યું હતું.

આ વખતે પ્રજામાં અંદરખાને ભાજપ સામે જબ્‍બરદસ્‍ત રોષ છે. ભલે હું ચૂંટણી નથી લડતો પણ મ્‍યુનિસીપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પપ સીટો સાથે સત્તામાં આવશે તેવું મારૂ સ્‍પષ્‍ટ ગણીત છે.

(3:42 pm IST)